મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

પ્રિન્‍સીપાલ પતિએ માંગી મદદ : મને મારી પત્‍નીથી બચાવો : રોજ બેટ વડે ધોલાઇ કરે રહી છે

કોર્ટ પાસે માંગી સુરક્ષા : ૧ વર્ષથી મારઝુડ કરે છે

જયપુર તા. ૨૫ : રાજસ્‍થાનના અલવરમાં ભિવાડીના રહેવાસી એક સ્‍કૂલ પ્રિન્‍સિપાલને કોર્ટે સુરક્ષા પૂરી પાડી છે. આ સુરક્ષા કોઈ ગુંડા કે બદમાશથી નહીં પરંતુ તેમની પત્‍નીથી બચાવવા માટે પૂરી પાડવામાં આવી છે. હકિકતમાં લવ મેરેજ કરનારા સ્‍કૂલ પ્રિન્‍સિપાલને તેમની પત્‍ની ત્રાસ આપતી હતી. તેમની પત્‍ની તેમની સાથે અવારનવાર મારઝૂડ કરતી હતી. તેઓ એક વર્ષ સુધી પત્‍નીનો આ ત્રાસ સહન કરતા રહ્યા હતા. જોકે, તેણની સહનશક્‍તિનો અંત આવી ગયો ત્‍યારે તેમણે બચવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્‍યા હતા. તેમની પત્‍નીએ સીસીટીવીની પણ પરવા કરી ન હતી અને પતિને મારઝૂડ કરતી રહી હતી. અંતે સીસીટીવી ફૂટેજ સાથે પ્રિન્‍સિપાલે કોર્ટમાં સુરક્ષાની માંગણી કરી હતી. પત્‍નીના ટોર્ચરના ફૂટેજ જોઈને કોર્ટે પ્રિન્‍સિપાલને સુરક્ષા પૂરી પાડવાની સાથે પોલીસને મામલાની તપાસ કરવાના આદેશ આપ્‍યા છે.

આ સમગ્ર ઘટના અલવરના ભિવાડીનો છે. અહીની સ્‍કૂલના પ્રિન્‍સિપાલ અજીત યાદવે સોનીપતની રહેવાસી મહિલા સાથે લવ મેરેજ કર્યા હતા. શરૂઆતના થોડા દિવસો તો સારી રીતે પસાર થયા હતા પરંતુ બાદમાં પત્‍નીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દિવસેને દિવસે પત્‍નીનો ત્રાસ વધતો ગયો હતો. અંતે પ્રિન્‍સિપાલે ભિવાડી કોર્ટમાં પોતાની સુરક્ષાની માંગણી કરતી અરજી કરી હતી. પોલીસે હવે તેમની સુરક્ષા માટે ઓર્ડર આપ્‍યો છે.

અજીત સિંહે જણાવ્‍યું હતું કે તેણે સાત વર્ષ અગાઉ સોનીપતની સુમન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ તેનું વર્તન બદલાવા લાગ્‍યું હતું. હાલમાં પરિસ્‍થિતિ એવી છે કે પત્‍ની સુમન અવારનવાર પતિ અજીત સિંહને ટોર્ચર કરે છે. ક્‍યારેક બેટથી તો ક્‍યારેક ખાવાનું બનાવવાના તવાથી કે ઘરમાં જે કંઈ પણ મળે તે સામાનથી તેમની મારઝૂડ કરી દે છે.

પત્‍નીના હાથે મારઝૂડ એટલી હદ સુધી વધી ગઈ હતી કે અજીત સિંહના શરીર પર ઈજાના નિશાન પણ થઈ ગયા છે. તેમણે જણાવ્‍યું હતું કે, લોકલાજ અને પ્રિન્‍સિપાલના પદની ગરીમા જાળવી રાખવા માટે તેઓ સામાન્‍ય ઉપચાર કરીને સમય પસાર કરતા હતા. જોકે, અનેક વખત તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા હતા પરંતુ પોતાની ગરીમાનું ધ્‍યાન રાખતા તેમણે આ વાત કોઈને જણાવી ન હતી.

અજીત સિંહનું કહેવું છે કે લાંબા સમયથી પીડિત હોવાથી જયારે પાણી માથા પરથી પસાર થવા લાગ્‍યું તો તેમણે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્‍યા હતા. જેથી પત્‍નીનો અત્‍યાચાર થોડો ઓછા થાય. પરંતુ પત્‍નીએ તો સીસીટીવી કેમેરાની પણ અવગણના કરી હતી અને મારઝૂડ ચાલું રાખી હતી.

અંતે પ્રિન્‍સિપાલે સીસીટીવી ફૂટેજના આધારે કોર્ટ પાસે સુરક્ષા માંગી હતી. તેમણે કહ્યું હતું કે પત્‍ની તેમના આઠ વર્ષના પુત્ર સામે પણ તેમની સાથે મારઝૂડ કરે છે.

(1:17 pm IST)