મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

યુક્રેનના ડેસના ટાઉન પર રશિયાના ભીષણ હુમલા : ૮૭ લોકોના મોત

મારીયુપોલમાં થી વધુ ૨૦૦ થી વધુ મૃતદેહ મળ્યા : કાટમાળમાં હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા

 

 

કિવ : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે રશિયાએ કીવથી ૫૫ કિ.મી. દૂર આવેલા ડેસ્ના ટાઉન પર કરેલા હુમલામાં ૮૭ના મોત થયા છે.આ ઉપરાંત યુક્રેનના  અધિકારીએ દાવો કર્યો હતો કે યુદ્ધ શરુ થયુ તે પછી પુતિન પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયા હતા.   બીજી બાજુએ મારિયુપોલમાંથી વધુ ૨૦૦  મૃતદેહો મળી આવ્યા છે.  એક મકાનના બેઝમેન્ટના કાટમાળમાંથી ૨૦૦ મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ જેમ-જેમ કાટમાળ હટશે તેમ-તેમ વધુ મૃતદેહો મળી આવે તેમ મનાય છે.

ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ચર્નિહિવ વિસ્તારમાં આવેલા ડેસ્નામાં કાટમાળ હટાવવામાં આવતા ૮૭ મૃતદેહો મળી આવ્યા હતા. આટલા મોત ફક્ત ચાર જ મિસાઇલ છોડવાના લીધે થયા હતા. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ૨૪ ફેબુ્રઆરીના રોજ યુદ્ધ શરુ થયા પછી રશિયા ૧,૪૭૪ મિસાઇલ હુમલામાં ૨,૨૭૫ મિસાઇલ છોડી ચૂક્યું છે.

આ ઉપરાંત મારિયુપોલમાં કાટમાળ હટાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન બીજા ૨૦૦ મૃતદેહો મળી આવ્યા છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જેમ-જેમ કાટમાળ દૂર કરવામાં આવશે તેમ-તેમ હજી વધુ મૃતદેહો મળી આવશે 

યુક્રેનના લશ્કરી અધિકારીએ દાવો કર્યો છે કે બે મહિના પહેલા જ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતા, પરંતુ તે બચી ગયા હતા.હાલમાં યુદ્ધ ચાલતુ હતુ તે દરમિયાન જ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં યુક્રેનના ટોચના અધિકારીને ટાંકીને આ દાવો યુક્રેનની ઓનલાઇન ન્યૂઝ એજન્સીએ કર્યો છે. યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સના પ્રમુખ મેજર જનરલ કાયરલો બુડાનોવે જણાવ્યું હતું કે આ નિષ્ફળ પ્રયાસ કાકેશસ નામના સ્થળે કરવામાં આવ્યો હતો.આ સ્થળ બ્લેક સી અને કાસ્પિયન સમુદ્રની વચ્ચે છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે રશિયા દ્વારા હુમલા પછી તરત જ આ પ્રયાસ થયો હતો, તેમા તે માંડ-માંડ બચ્યા હતા.

આ ઉપરાંત પુતિનની નબળી તબિયત અંગે પણ દાવા કરવામાં આવી રહ્યા છે. યુક્રેનની એજન્સીએ જણાવ્યું હતું કે પુતિન અનેક બીમારીઓથી ગ્રસિત હોવા છતાં હજી પણ બીજા કેટલાક વર્ષ સુધી રશિયાને સંભાળી શકે છે. તેઓએ તાજેતરમાં જ કેન્સરની સર્જરી કરી હોવાનું મનાય છે. રશિયાની વિક્ટરી ડે પરેડમાં તે લંગડાતા-લંગડાતા જોવા મળ્યા હતા.

(7:37 pm IST)