મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

કોરોનાનો દુર્લભ કેસ

૧૦ મહિના સુધી કોવિડ પોઝિટિવ રહ્યા યુકેના ૭૨ વર્ષીય વૃધ્ધ

બ્રિટનના ડેવ સ્મિથ સતત ૧૦ મહિના સુધી કોરોનાગ્રસ્ત રહ્યા અને ૪૩ વખત તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો

લંડન,તા. ૨૫: કોરોના વાયરસનો એક દુર્લભ કેસ બ્રિટનમાં જોવા મળ્યો છે. બ્રિટનમાં એક ૭૨ વર્ષીય વૃદ્ઘ ૧૦ મહિના સુધી કોરોના પોઝિટિવ રહ્યા છે અને આ કોરોના વાયરસના ચેપનો અત્યાર સુધીનો સૌથી લાંબો કેસ માનવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ ઈંગ્લેન્ડમાં બ્રિસ્ટોલના રિટાયર્ડ ડ્રાઈવિંગ ઈન્સ્ટ્રકટર ડેવ સ્મિથે જણાવ્યું છે કે તેમનો ૪૩ વખત ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને સાત વખત તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. એટલું જ નહીં તેમણે પોતાના અંતિમ સંસ્કારની યોજના પણ બનાવી લીધી હતી. સ્મિથે કહ્યું હતું કે મેં મારા પરિવારને બોલાવી લીધો હતો અને તેમને ગુડબાય પણ કહી દીધું હતું.

ડેવની પત્ની લિંડા પણ તેમની સાથે જ કવોરેન્ટિનમાં રહ્યા હતા તેમણે કહ્યું હતું કે, ઘણી વખત એવો સમય આવ્યો જયારે અમને લાગતું હતું કે તેઓ કોરોનાને હરાવી શકશે. અમારા માટે આ ૧૦ મહિના નર્ક જેવા રહ્યા. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ એન્ડ નોર્થ બ્રિસ્ટોલ ટ્રસ્ટના ચેપી રોગના કન્સલટન્ટ મોરને જણાવ્યું હતું કે સમગ્ર સમય સ્મિથના શરીરમાં એકિટવ વાયરસ હતો.

સ્મિથ અમેરિકન બાયોટેક ફર્મ રેજનેરોન તરફથી વિકસિત સિન્થેટિક એન્ટીબોડીઝના કોકટેલ સાથે સારવાર બાદ સાજા થઈ ગયા હતા. હાલમાં બ્રિટનમાં કોરોનાની સારવારમાં આની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ સ્મિથનો કેસ અલગ હોવાના કારણે તેને મંજૂરી આપવામાં આવી હતી.

સ્મિથે જણાવ્યું હતું કે મને ફરીથી જીવન મળ્યું છે. રેજનેરોનનું ડ્રગ લીધાના ૪૫ દિવસ અને પ્રથમ વખત ચેપગ્રસ્ત થયાના ૩૦૫ દિવસ બાદ અંતિ સ્મિથનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો તેમણે પત્ની સાથે શેમ્પેનની બોટલ ખોલીને તેની ઉજવણી કરી હતી.

(10:23 am IST)