મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

અમેરિકાના ન્યૂ હેમ્પશાયર સ્થિત એક રેસ્ટોરન્ટમાં એક અજાણ્યા ગ્રાહકે વૅઈટરને 16,000 અમેરિકન ડોલર -અંદાજિત 11.86 લાખ રૂપિયાની ટિપ આપી : “સ્ટંબલ ઈન” રેસ્ટોરન્ટના માલિક જારેલાએ બિલની રિશિપ્ટ ઈન્ટરનેટ પર શેર કરતાં લખ્યું કે, અમારી રેસ્ટોરન્ટમાં એક ખૂબ જ ઉદાર ગ્રાહક આવ્યો, અમે તેની ઉદારત માટે તેના આભારી છીએ...

અમદાવાદ: બોલિવૂડ ફિલ્મ હેરાફેરીનું એક ગીત છે “દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે”, તે એક વૅઈટર માટે સાચું સાબિત થયું છે. કોરોનાના પગલે એક તરફ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ પર માઠી અસર થઈ છે, તો બીજી તરફ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને જાણીને લાગશે કે, હજું પણ પૈસાને લઈને કોઈ સમસ્યા જ નથી. અમેરિકાના ન્યૂ હેમ્પશાયર સ્થિત એક રેસ્ટોરન્ટમાં એક અજાણ્યા ગ્રાહકે વૅઈટરને 16,000 અમેરિકન ડોલર (અંદાજિત 11.86 લાખ રૂપિયા)ની ટિપ આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ન્યૂ હેમ્પશાયરના લંડનડેરીમાં આવેલી “સ્ટંબલ ઈન” રેસ્ટોરન્ટમાં આવેલા એક અજાણ્યા ગ્રાહકે એક બિયર, બે ચિલી ચીઝ ડૉગ્સ, ચિપ્સ અને એક ટકિલા શૉટનો ઓર્ડર આપ્યો હતો. આ તમામ લીધા બાદ તે ગ્રાહકે બાર ટેન્ડર પાસે બિલ માંગ્યું હતું. જે બિલની રકમ 37.93 અમેરિકન ડૉલર (અંદાજિત 3 હજાર રૂપિયા) હતી. બિલની રકમ ચૂકવ્યા બાદ તેણે બાર ટેન્ડરને ચેક આપ્યો અને કહ્યું કે, તમામ રૂપિયા કોઈ એક જગ્યાએ ખર્ચના કરતો.

જો કે બાર ટેન્ડરે તે સમયે તે બિલ કે ચેકની રકમ જોઈ નહતી, પરંતુ જ્યારે ગ્રાહકે તમામ પૈસા એક જગ્યાએ ખર્ચ ના કરવાની સલાહ આપી, ત્યારે તેને નવાઈ લાગી. બાર ટેન્ડરે ચેકની રકમ જોઈને ગ્રાહકને પૂછ્યું પણ ખરું કે, શું તે મજાક કરી રહ્યો છે? જેના જવાબમાં ગ્રાહકે કહ્યું કે, એવું કશું જ નથી. આ પૈસા તેણે ટિપમાં આપ્યા છે.

રેસ્ટોરન્ટના માલિક માઈક જારેલાએ આ અજાણ્યા ગ્રાહકની ઉદારતા બદલ તેનો આભાર માનતા જણાવ્યું કે, ટિપમાં 16 હજાર ડોલરની ટિપ આપવામાં આવી. ટિપ આપ્યા બાદ પણ ગ્રાહક અનેક વખત રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. ટિપમાં મળેલી રકમનું શું કર્યું? આ પ્રશ્નનો જવાબ આપતા જારેલાએ જણાવ્યું કે, આ પૈસાને 8 બાર ટેન્ડરો વચ્ચે વેંચવામાં આવશે. આ સિવાય પૈસાનો એક હિસ્સો કિચન વર્કર્સ સાથે પણ શેર કરવામાં આવશે.

“સ્ટંબલ ઈન” રેસ્ટોરન્ટના માલિક જારેલાએ બિલની રિશિપ્ટ ઈન્ટરનેટ પર શેર કરતાં લખ્યું કે, અમારી રેસ્ટોરન્ટમાં એક ખૂબ જ ઉદાર ગ્રાહક આવ્યો. અમે તેની ઉદારત માટે તેના આભારી છીએ. જારેલાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અનેક યુઝર્સ અજાણ્યા ગ્રાહકની દરિયાદિલીને સલામ કરી રહ્યાં છે.

(4:49 pm IST)