મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

વિમાન વાહક વિક્રાંત આગામી વર્ષે નૌ સેનામાં સામેલ કરાશે

ચીન સાથેના તણાવની અસર હિન્દમહાસાગરમાં દેખાઈ : ચીનના યુદ્ધ જહાજો-સબમરિનના આંટા ફેરા વધી ગયા હોઈ ભારતના દરિયાઈ મોરચે તાકાત વધારવાના પ્રયાસો

નવી દિલ્હી, તા. ૨૫ : ચીન સાથેના તનાવની અસર હિન્દ મહાસાગરમાં પણ દેખાઈ રહી છે. અહીંયા ચીનના યુધ્ધ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યારે ભારત પણ દરિયાઈ મોરચે તાકાત વધારવાના પ્રયાસો કરી રહ્યુ છે.

ભારત માટે એક સારા ખબર એ છે કે, ભારતનુ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત આવતા વર્ષે નૌસેનામાં સામેલ થાય તેવી શક્યતા છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિક્રાંતનુ જ્યાં નિર્માણ થઈ રહ્યુ છે તે ડોકયાર્ડની મુલાકાત લઈને સમગ્ર કામગીરી નિહાળી હતી.

આ યુધ્ધ જહાજનુ નામ અગાઉ ભારતીય નૌસેનામાં સેવા આપીને રિટાયર થઈ ચુકેલા વિમાન વાહક જહાજ વિક્રાંતના નામ પરથી જ રાખવામાં આવ્યુ છે. ભારત પાસે હાલમાં એક વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય છે.જે રશિયા પાસે ભારતે ખરીદેલુ છે. જોકે ભારતના વિશાળ દરિયા કિનારાને જોતા ભારતને બીજા પણ વિમાન વાહક જહાજની જરૂર છે અને તેનુ નિર્માણ ભારતમાં જ કરવામાં આવી રહ્યુ છે. વિક્રાંતને લોન્ચ કરાયા બાદ ભારત પાસે બે વિમાન વાહક જહાજ હશે.

રાજનાથસિંહે સોશિયલ મીડિયામાં પોતાની મુલાકાતની તસવીરો શેર કરીને કહ્યુ હતુ કે, આગામી વર્ષે આ એરક્રાફ્ટ કેરિયર નેવીમાં સામેલ થશે અને ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં આ એક ગૌરવશાળી ઘટનાનો ઉમેરો થશે.

આ કેરિયર સામેલ થયા બાદ ભારત એવા ગણતરીના દેશોની ક્લબમાં જોડાશે જેમની પાસે ઘરઆંગણે વિમાન વાહક જહાજ બનાવવાની ટેકનોલોજી છે. ગયા વર્ષે વિક્રાંતની હાર્બર ટ્રાયલ અને બેસિન ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. જેનો અર્થ એ થયો કે, દરિયામાં ટ્રાયલ લેતા પહેલા જહાજના તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી થઈ ચુકી છે. કોરોનાની મહામારીને કારણે તેની દરિયાઈ ટ્રાયલમાં વિલંબ થયો છે પણ તે પણ બહુ જલ્દી શરૂ કરવામાં આવશે.

એરક્રાફ્ટની લંબાઈ ૨૬૨ મીટર છે. તેનુ નિર્માણ ૨૦૦૯માં કોચી શિપયાર્ડમાં શરૂ કરાયુ હતુ. તેના પર ૨૬ એરક્રાફ્ટ અને ૧૦ હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે. આ જહાજ પર તૈનાત કરવા માટે ભારત પાસે મિગ ૨૯નુ દરિયાઈ વર્ઝન છે. આ સિવાય તેજસ ફાઈટર જેટનુ નેવલ વર્ઝન પણ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. ભારત દ્વારા અમેરિકા પાસેથી ખરીદવામાં આવી રહેલા રોમિયો હેલિકોપ્ટર અને સ્વદેશી હેલિકોપ્ટર ધ્રૂવ પણ તેના પર તૈનાત થઈ શકશે.

(7:47 pm IST)