મુખ્ય સમાચાર
News of Friday, 25th June 2021

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ:આઠ રાજ્યોને પત્ર લખી જેનોમ સિક્વિન્સીંગ માટે નમૂના મોકલવા આદેશ

રાજ્યોને જિલ્લાઓ અને ક્લસ્ટરોમાં તાત્કાલિક નિવારક પગલાં ભરવા તાકીદ : ભીડ અને મેળાવડા પર પ્રતિબંધ, મોટા પાયે ટેસ્ટિંગ, તાત્કાલિક ટ્રેસિંગ, તેમજ અગ્રતા ધોરણે રસી કવરેજ જેવા સૂચનો કર્યા

નવી દિલ્હી: કોરોના વાયરસનો  નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ  ભારતમાં ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 48 સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી છે. આ બાબતે ચિંતિત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 8 રાજ્યોને પત્ર લખીને જેનોમ સિક્વિન્સીંગ માટે નમૂનાઓ મોકલવા જણાવ્યું છે.

આઠ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુના નામ શામેલ છે. કેન્દ્રએ આ રાજ્યોને જિલ્લાઓ અને ક્લસ્ટરોમાં તાત્કાલિક નિવારક પગલાં ભરવા જણાવ્યું હતું. આમાં ભીડ અને મેળાવડા પર પ્રતિબંધ, મોટા પાયે ટેસ્ટિંગ, તાત્કાલિક ટ્રેસિંગ, તેમજ અગ્રતા ધોરણે રસી કવરેજ જેવા સૂચનો શામેલ છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે ટેસ્ટિંગમાં સકારાત્મક જણાતા લોકોના પૂરતા નમૂનાઓ તરત જ જીનોમ સિક્વન્સીંગ માટે INSACOG ની નિયુક્ત પ્રયોગશાળાઓ પાસે મોકલવા જોઈએ

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ આ જુદા જુદા રાજ્યોને એક પત્ર લખીને જિલ્લા અથવા સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યા છે. તેની અસર વર્ણવતા, એવું કહેવામાં આવ્યું છે કે આ વેરિઅન્ટની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને વધુ સાવચેતી અને કડક પગલાં લેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના મદુરાઇ, કાંચીપુરમ અને ચેન્નાઈમાં, રાજસ્થાનના બીકાનેરમાં, કર્ણાટકના મૈસુરુમાં, પંજાબના પટિયાલા અને લુધિયાણામાં, જમ્મુ અને કાશ્મીરના કટરામાં, હરિયાણાના ફરીદાબાદમાં, ગુજરાતના સુરતમાં અને આંધ્રપ્રદેશના તિરૂપતિમાં ડેલ્ટા પ્લસના સંક્રમિત જોવા મળ્યો છે. .

(12:25 am IST)