મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

સીએજીના રિપોર્ટમાં ધડાકો

એન્જિન ૨૪ લાખનું : વાયુદળે દીધા ૮૭ લાખ

નવી દિલ્હી,તા.૨૫ : દેશમાં જેટલો જૂનો સંરક્ષણ અને સંરક્ષણ સોદાનો ઇતિહાસ છે કદાચ એટલો જ જૂનો સંરક્ષણ સોદામાં કટકીનો પણ ઇતિહાસ હશે. હાલ પણ આવી જ વિગતો ફરી સામે આવી રહી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ યુ.એ.વી. (ડ્રોન) ના ઉત્પાદન માટે સમાન એન્જિન ૨૫ લાખમાં ખરીદ્યું, તે જ એન્જિન વિદેશી કંપની દ્વારા એરફોર્સને ૮૭ લાખમાં ખરિદ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં, તેણે અપ્રમાણીત એન્જિન પૂરા પાડ્યા, જેના કારણે યુએવી અકસ્માતનું કારણ પણ બન્યું. કંટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) એ પોતાના અહેવાલમાં આ ખામીને પ્રકાશિત કરી છે અને આ મામલે તપાસની ભલામણ કરી છે. આગામી દિવસોમાં આ મામલાની તપાસ થઈ શકે છે, જે ખરીદી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓને મુશ્કેલમાં મુકી શકે છે.

કેગના અહેવાલ મુજબ માર્ચ ૨૦૧૦ માં એરફોર્સે મેસર્સ ઇઝરાઇલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી યુએવી માટે પાંચ ૯૧૪ ઇ રોટૈકસ એન્જિન ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એન્જિન દીઠ ખરીદી ૮૭.૪૫ લાખ રૂપિયામાં થઈ હતી. આમ, આ કંપનીએ એરફોર્સને પાંચ એન્જિન પૂરા પાડ્યા. સીએજીએ તેના ઓડિટમાં શોધી કાઢ્યું હતું કે ડીઆરડીઓની પ્રયોગશાળા એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) એ એન્જિન દીઠ ૨૪.૩૦ લાખના ભાવે બે વર્ષ પછી એપ્રિલ ૨૦૧૨ માં સમાન એન્જિનોની ખરીદી કરી હતી. ઓડિટ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં યુએવીના ઉપરોકત એન્જિનની કિંમત ૨૧-૨૫ લાખની વચ્ચે છે, જયારે એરફોર્સે આ એન્જિનો ત્રણ ગણાથી વધુ કિંમતે ખરીદ્યા છે. છેવટે, ખરીદ પ્રક્રિયામાં આટલું મોટું  ગાબડું કેવી રીતે થયું. તેનાથી સરકારને ૩.૧૬ કરોડનું નુકસાન થયું હતું.

કેગે જણાવ્યું હતું કે કરાર હેઠળ જે એન્જિનો ખરીદવાના હતા તે ખરીદી કરાર હેઠળ પ્રમાણિત થવા જોઈએ. એટલે કે, સંબંધિત દેશની નિયમનકારી એજન્સી દ્વારા તેમને પ્રમાણિત થવું જોઈએ, પરંતુ ઇઝરાઇલની કંપનીએ પ્રમાણપત્ર વિના એન્જિનો પૂરા પાડ્યા. એન્જિનો મામલે આપને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

કેગે જણાવ્યું હતું કે જે યુએવીમાં આ એન્જિનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમના કારણે અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું હતું. આમ, સમગ્ર ખરીદી પ્રક્રિયા પ્રશ્નાર્થ હેઠળ છે. સીએજીએ આ એન્જિનોની ખરીદીની તપાસ કરવાની ભલામણ કરી છે, જેથી આ કેસમાં દોષિત અધિકારીઓ અને કંપનીની જવાબદારી સુનિશ્યિત થઈ શકે.

(10:34 am IST)