મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ચાઇનીઝ ફાર્મા કંપનીનો દાવો

૨૦૨૧ની શરૂઆતમાં તૈયાર થઇ જશે કોરોના વેકસીન

કોરોનાની રસી યુએસ સહિત વિશ્વના અન્ય દેશોમાં વિતરણ માટે તૈયાર થઇ જશે

બેઇજિંગ તા. ૨૫ : વિશ્વભરમાં કોરોના વાયરસના ૩ કરોડથી વધુ દર્દીઓ છે. જીવલેણ વાયરસના કારણે લાખો લોકોના મોત નીપજયાં છે. હાલ વિશ્વભરના લોકો કોરોના વેકસીનની રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે એક ચાઈનીઝ કંપનીએ આગામી વર્ષ સુધીમાં કોરોના વેકસીન તૈયાર થઈ જવાનો દાવો કર્યો હતો. ચાઈનીઝ ફાર્માસ્યુટિકલ કંપની sinovacએ જણાવ્યું હતું કે, જે કોરોના રસી વિકસિત કરવામાં આવી રહી છે તે ૨૦૨૧ની શરૂઆતમાં યુ.એસ. સહિત વિશ્વવ્યાપી વિતરણ માટે તૈયાર થઈ જશે.

આ માહિતી sinovacકંપનીના સીઈઓ યીન વેડોંગે આપી છે. તેમણે કહ્યું કે કોરોના રસી હ્યુમન ટ્રાયલના ત્રીજા અને અંતિમ તબક્કા માટે તૈયાર છે. જો 'corovavac' રસી હ્યુમન ટ્રાયલના ત્રીજા અને અંતિમ તબક્કાને પૂર્ણ કરે છે તો તેને અમેરિકામાં વેચવા માટે અમેરિકી સ્વાસ્થ્ય સેવા નિયામક યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આવેદન કરવામાં આવશે.

યિને કહ્યું, 'અમારો ઉદ્દેશ અમેરિકા, યુરોપિયન સંઘ અને અન્ય સહિત સમગ્ર વિશ્વમાં રસી ઉપલબ્ધ કરાવવાનો છે.' જણાવી દઈએ કે આ અગાઉ ગુરુવારે અમેરિકન કંપની જહોન્સન એન્ડ જહોન્સને પણ દાવો કર્યો હતો કે તેણે કોવિડ -૧૯ રસી બનાવવાની દિશામાં બીજી સફળતા મેળવી છે. કંપનીનો દાવો છે કે તે કિલનિકલ ટ્રાયલ્સના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ત્યાર પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના અન્ય નાગરિકોને રસીની ટ્રાયલની નોંધણી માટે આગળ આવવા વિનંતી કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની અપડેટેડ લિસ્ટ મુજબ હાલ વિશ્વભરમાં કોરોનાની ૯ રસી ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. છેલ્લા ૮ મહિનાથી કોરોના વાયરસે વિશ્વવ્યાપી વિનાશ સર્જી રહ્યો છે. આ રસી તાત્કાલિક મંજૂરી માટે તૈયાર છે કે કેમ તે જોવા માટે ડેટા એક મહિના પછી બહાર પાડવામાં આવશે. એકંદરે, અમે કહી શકીએ કે આવતા એક મહિનામાં કોરોના રસી વિશે ઘણા સારા સમાચાર મળી શકે છે. કોરોનાની જે ૯ વેકસીન ટ્રાયલના અંતિમ તબક્કામાં છે તેમાં Pfizer/BioNTech, Ad5-nCoV, johnson and johnson, gamaleya, moderna, cansino, sinovac, sinopharm અને ChAdOx1નો સમાવેશ થાય છે.

(10:36 am IST)