મુખ્ય સમાચાર
News of Friday, 25th November 2022

દેવગઢની હાફૂસની પહેલી પેટી મુંબઈની માર્કેટમાં આવી બે ડઝનની એક પેટીનો ભાવ અધધ રૂા.૮ હજાર

મુંબઈ,તા. ૨૫ : દેવગઢના હાફુસની પહેલી પેટી મુંબઈની વાશી માર્કેટમાં આવી પહોંચી હતી. જોકે આ હાફુસ ખરીદવાની તાકાત સામાન્‍ય વર્ગના લોકોની નથી, કારણ કે બે ડઝનની એક પેટીનો ભાવ રૂ. ૮ હજાર જેટલો છે.

જિલ્લાના દેવગડ તાલુકાના કાતવણ ખાતે આંબાની વાડી ધરાવતા દિનેશ શિંદે અને પ્રશાંત શિંદેએ પોતાની વાડીમાં હાફુસનો પાક નૈસર્ગિક પદ્ધતિથી કર્યો હતો. દેવદિવાળી અને માર્ગશીર્ષ મહિનાના પહેલા ગુરુવારનું મુહૂર્ત સાધીને આંબા કાઢવાનો શુભારંભ કરીને પહેલી બે ડઝનની પેટી મુંબઈની વાશી માર્કેટમાં આવી હતી.

કાતવણ ખાતે આંબાની વાડી ધરાવતા પ્રશાંત અને દિનેશે ગોરક્ષ ગણપતિ મંદિર ખાતે આવેલા ઘરની નજીકની વાડીમાં હાફુસના ૧૫મી ઓગસ્‍ટના રોજ મોર આવવાનું શરૂ થયું હતું. ખૂબ મહેનત કરીને બે ડઝન આંબાનાં ફળ કાઢવામાં આવ્‍યા બાદ બે ડઝનની પેટી વાશી માર્કેટમાં આવી હતી.

બે ડઝન આબાંની પેટીનો ભાવ સાધારણ રીતે સાતથી આઠ હજારનો ભાવ હોવાનું વાશી માર્કેટના એક વેપારીએ જણાવ્‍યું હતું. ઋતુચક્રમાં વારંવાર ફેરફાર થતો હોવાને કારણે બંને વાડીધારકોએ મોર નાખવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા.

(10:18 am IST)