મુખ્ય સમાચાર
News of Wednesday, 25th January 2023

જાંબુર (ગીર)નાં હિરબાઈ લોબીને પદ્મશ્રી એનાયત :સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું

વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કર્યું :હીરબાઈના પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ:વર્ષ ૨૦૦૬માં હીરબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.

નવી દિલ્હી : પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલા પદ્મ એવોર્ડ્સમાં મોદીજીના વડાપ્રધાન થયા પછી જે રીતે શોધી શોધીને ખરા હકદાર લોકોને સન્માનિત કરાય છે એ પરંપરા ચાલુ રહી છે. ચીંથરે વીટ્યાં રતન જેવા લોકોનાં જે નામો એવોર્ડ માટે જાહેર થયાં છે એમાં ગુજરાતના સન્માનિતો પૈકીનાં એક છે જાંબુર (ગીર)નાં હિરબાઈ લોબી. જેમને પદ્મશ્રી એનાયત થશે.


અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ થતી સિદી કોમના વિકાસ માટે એમણે પોતાની જિંદગી ખર્ચી નાખી છે. ખાસ કરીને પોતે સ્થાપેલી બાલવાડીઓ મારફત બાળકોને શિક્ષણ અભિમુખ કરવામાં એમનું મોટું યોગદાન છે.

હીરબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા સાથે સંકળાયેલા હીરબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પણ ભગીરથ કાર્ય કર્યું છે. હીરબાઈના આ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ ૨૦૦૬માં હીરબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.

(12:59 am IST)