મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

યુપીની ચાર કિશોરી વેકેશન માણવા ઉત્તરાખંડ ભાગી ગઈ

છોકરીઓ પર વધુ પડતા નિયંત્રણનું જોખમી પરિણામ : એક વીસ વર્ષની, અન્ય ત્રણ કિશોરીને પોલીસે મોબાઈલ ફોનના લોકેશનના આધારે એક રિસોર્ટમાંથી રેસ્ક્યુ કરી

બરેલી, તા. ૨૫ : આજના જમાનામાં જો ઘરની છોકરી ગાયબ થઈ જાય તો મા-બાપની ખૂબ ખરાબ હાલત થતી હોય છે. કારણ કે મહિલા અને ખાસ કરીને યુવતી અને સગીરા સાથે વધતા જતા ઘૃણાસ્પદ અપરાધને લઈને દરેક દીકરીના મા-બાપને સતત તેની ચિંતા રહેતી હોય છે. તેવામાં જો રાજ્ય ઉત્તર પ્રદેશ જેવું હોય જ્યાં ગુનાખોરીનો અધિકારીક આંકડો પણ ખૂબ ઊંચો છે તેવામાં માતા-પિતા અને આખા પરિવારની ઊંઘ હરામ થઈ જાય તે સ્વાભાવિક છે. ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની છે જ્યાં રહેતી એક ૨૦ વર્ષની અને બાકીની સગીર વયની દીકરીઓ ગાયબ થયા પછી પોલીસ અને પરિવારને તેમની ભાળ મેળવવા માટે જમીન આકાશ એક કરી નાખ્યા. જોકે પોલીસને છોકરીઓ મળી ત્યારે આખો કિસ્સો અલગ નીકળ્યો હતો.

સોમવારે ગુમ થયેલી છોકરીઓને પોલીસે બુધવારે ઉત્તરાખંડના ગઢવાલના ટહેરીથી રેસ્ક્યુ કરી હતી અને પરિવારને સોંપવામાં આવશે. પોલીસ સામે છોકરીઓએ જણાવ્યું હતું કે તેમણે પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું કારણ કે પરિવાર દ્વારા તેમના પર ખૂબ આકરાં નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેથી તેઓ બધાથી આઝાદ થઈને વેકેશન માણવા માગતા હતા.

ભાગી ગયેલી છોકરીઓ પૈકી એક છોકરી ૨૦ વર્ષની યુવતી છે અને તે ધોરણ ૧૨ની વિદ્યાર્થીની છે જેણે ઘર છોડતા પહેલા ઘરેથી રુ. ૨૫૦૦૦ કેશ લઈ લીધા હતા. જ્યારે અન્ય ત્રણ છોકરીઓ ૧૫ વર્ષની છે અને તેમણે પણ ઘરેથી નીકળતા પહેલા થોડા રુપિયા લઈ લીધા હતા. છોકરીઓ ઉત્તરાખંડના મુની કી રેતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રિસોર્ટમાં રહેતી હતી. ખેરી પોલીસે તેમના મોબાઈલ લોકેશનને ટ્રેસ કર્યા પછી છોકીરીઓની શોધ માટે ઉત્તરાખંડ પોલીસની મદદ લીધી હતી.ખેરીના એસએસપી વિજય દુલાએ કહ્યું કે, બસ દ્વારા સિતાપુર પહોંચ્યા પછી છોકરીઓએ તેમના મોબાઈલ ઓફ કરી દીધા હતા. અમારી સર્વેલન્સ ટીમ તેમના પર સતત ધ્યાન રાખી રહી હતી. જેમાં તેમનામાંથી એકનું લોકેશન અમને ઉત્તરાખંડમાં મળ્યું હતું. જેવું સિગ્નલ મળ્યું કે તરત એક ટીમ રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. છોકરીઓને દિવસમાં શોધી કાઢવમાં મોબાઈલ સર્વેલન્સ અને અમારા ખબરીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. એસએસપીએ વધુમાં આગળ કહ્યું કે, છોકરીઓના નિવેદન નોંધવામાં આવ્યા બાદ તેમના પરિવારને સોંપવામાં આવશે. તેમજ છોકરીઓ અને તેમના પરિવાર વચ્ચે મનભેદ દૂર કરવા માટે અમે નિષ્ણાંતોની મદદ લઈને કાઉન્સેલિંગ પણ કરાવીશું. ઉપરાંત એસએસપીએ જે પોલીસ ટીમ છોકરીઓને સહીસલામત રીતે ઘરે લઈ આવી છે તેમના માટે રુ. ૨૫૦૦૦નું ઇનામ પણ જાહેર કર્યું છે.

(12:00 am IST)