મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

દુનિયાનો સૌથી ઉંચો રેલ્વેબ્રીજ ભારતમાં માર્ચમાં થશે તૈયાર

ચિનાબ નદી પરના આ બ્રીજની ઉંચાઇ એફીલ ટાવરથી પણ વધારે

નવી દિલ્હી,તા. ૨૬: ભારતમાં દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ બની રહ્યો છે. રેલમંત્રી પીયુષ ગોયલે ટવીટ કરીને આની માહિતી આપતા કહ્યુ કે કોરી વિસ્તારમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો પુલ બની રહ્યો છે. આ ભારત માટે વધુ એક માઇકસ્ટોન સાબિતી થશે. તેમણે કહ્યું કે ચિનાબ બ્રીજની સ્ટીલ આર્કની સાથે વધુ એક માઇલ સ્ટોન હાંસલ કરવા માટે ભારતીય રેલ્વે બરાબર કામ કરી રહી છે.

કોંકણ રેલ્વે કોર્પોરેશન લીમીટેડ (કેઆરસીએલ) ઉધમપુર -શ્રીનગર-બારામુલ્લા રેલ લીંક પરિયોજના હેઠળ ૧૧૧ કિમી લાંબા પડકારરૂપ રેલમાર્ગ પર ચિનાબ પુલનું નિર્માણ કરી રહ્યુ છે. જે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે રેલ્વે દ્વારા જોડશે.

રેલ્વે અધિકારીઓ અનુસાર, ચિનાબ પુલનું નિર્માણ ચિનાબ નદીના તળથી ૩૫૯ મીટર ઉપર કરાઇ રહ્યું છે. જે એફીલ ટાવર (જેની ઉંચાઇ ૩૨૪ મીટર છે) થી ૩૫ મીટર વધારે હશે. ચિનાબ પુલની લંબાઇ ૧૭ સ્પાન સાથે ૧,૩૧૫ મીટર હશે જેમાંથી મુખ્ય આર્કની લંબાઇ ૪૬૭ મીટર હશે.

(3:18 pm IST)