મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

મોંઘવારીને કાબૂમાં લેવા ટૂંકમાં વધુ બે વ્યાજદર વધારાની આગાહી

સમગ્ર વિશ્વ મોંઘવારી સામે જંગ લડી રહ્યું છે : યુએસ ફેડની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારો કરી રહી છે છતાં મોંઘવારી કાબૂમાં નથી આવી

વોશિંગ્ટન, તા.૨૬ : રશિયા-યુક્રેન યુદ્ધની સાથે-સાથે વિશ્વજગત મોંઘવારી સામે એક મહાજંગ લડી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંકે ૨૦ વર્ષનો  સૌથી મોટો વ્યાજદર વધારો કર્યા છતા આગામી સમયમાં મોંઘવારીને કાબૂમાં લેવા અને સિસ્ટમની લિક્વિડિટી સામે લડવા માટે નજીકના ભવિષ્યમાં જ વધુ બે વ્યાજદર વધારાની આગાહી કરી છે. જોકે યુએસ ફેડની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારો કરી રહી છે છતાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી અને સ્થિતિ આ પ્રમાણે જ બેકાબૂ રહેશે તો ગ્લોબલ ઈકોનોમી પર પણ ભારે દબાણ સર્જાવાની આશંકા છે. જોકે વિશ્વ બેંકના વડાએ આપેલ એક નિવેદને આજે સૌને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયા દ્વારા ચલાવવામાં આવેલ યુદ્ધ, તેની ફૂડ અને એનર્જી પ્રાઈસ પરની અસર સાથે-સાથે ખાતરના પુરવઠા વૈશ્વિક મંદી તરફ દોરી શકે છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં માલપાસે જણાવ્યું હતું કે વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા જર્મનીનું અર્થતંત્ર ક્રૂડ અને એનર્જીની વધતી કિંમતોને કારણે પહેલાથી જ ધીમી પડી ગયું છે. બીજી બાજુ ઓછા ખાતરનું ઉત્પાદન અન્ય દેશોમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. માલપાસે ચોક્કસ અંદાજો જાહેર કર્યા વગર કહ્યું કે યુક્રેન અને રશિયાના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. જ્યારે યુરોપ, ચીન અને અમેરિકા ધીમી ગતિએ વિકાસ કરી શકે છે. ચીનમાં કોરોના અમેરિકામાં મોંઘવારી અને વ્યાજદર વધારાની અર્થતંત્ર પર અસર અન્ય દેશોમાં અને અંતે વિકસિત દેશોમાં મંદી નોતરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે વિકાસશીલ દેશો ખાતર, ખાદ્ય પદાર્થો અને ઉર્જા સ્ત્રોતોને કારણે વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે અને આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું કે એકમાત્ર એનર્જીના જ ઉંચા ભાવ એટલેકે ક્રૂડ અને નેચરલ ગેસના જ ભાવ વધીને બમણા થવાનો વિચાર જ મંદીને આશંકિત કરવા માટે પૂરતો છે. જોકે માલપાસે મંદી ક્યારે શરૃ થશે તેનો કોઈ સંકેત નહોતો આપ્યો.

આ સાથે તેમણે વિશ્વ બેંકની લાચારી રજૂ કરતા કહ્યું કે હવે સ્થિતિ ગંભી બની રહી છે. દરેક દેશ અલગ-અકગ મોરચે લડાઈ રહ્યો છે. કોઈક યુદ્ધ તો કોઈક મોંઘવારી તો ક્રૂડ-ગેસની અછત અને ભાવવધારા તો કોઈક ગરીબી સામે લડી રહ્યું છે. આપણે વૈશ્વિક જીડીપી પર નજર કરીએ તો આ આવનારી મહામંદી કેવી રીતે ટાળી શકાય તે કહેવું મુશ્કેલ છે. અમને આ મંદી ટાળવાનો કોઈ રસ્તો નથી જડી રહ્યો.

યુક્રેન પર રશિયાના હુમલાની અસરોને કારણે વિશ્વ બેંકે ૨૦૨૨ માટે તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને એપ્રિલમાં લગભગ ૧ ટકા ઘટાડીને ૩.૨ ટકા કરી દીધું છે જે અગાઉ ૪.૧ ટકા હતું.

 

 

(7:56 pm IST)