મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

શરદ પાવરે જાતિ વસ્તી ગણતરીની ઉઠાવી માંગણી : કહ્યું - સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી

OBC સેલની બેઠકને સંબોધતા પવારે કહ્યું હતું કે, દરેક વ્યક્તિને તે મળવું જોઈએ જેનો તે હકદાર છે.

નવી દિલ્હી :  રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પાવરે જાતિ વસ્તી ગણતરીની માંગ ઉઠાવી હતી. તેમણે કહ્યું હતું કે, સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. NCPના OBC સેલની બેઠકને સંબોધતા પવારે કહ્યું હતું કે, દરેક વ્યક્તિને તે મળવું જોઈએ જેનો તે હકદાર છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતુ કે, અમે કંઈ પણ મફતમાં નથી માંગી રહ્યા. જાતિ વસ્તી ગણતરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બંધારણ દ્વારા અનામત આપવામાં આવ્યું હતું. જેનો તેમને ફાયદો થયો અને અન્ય પછાત વર્ગો (OBC)ને પણ સમાન જોગવાઈઓની જરૂર છે

પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓમાં OBC આરક્ષણ પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વર્ષે રાજ્યમાં ઘણી સ્થાનિક સંસ્થાઓમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. OBC કોટા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઘાડીની ટીકા પર પાવરે કહ્યું હતું કે, ‘તમે અહીં (મહારાષ્ટ્રમાં) 5 વર્ષ (2014થી 2019) અને દિલ્હી(કેન્દ્ર)માં 2014થી સત્તામાં હતા. તમે અત્યાર સુધી સૂતા હતા’?

(10:00 pm IST)