મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

પટિયાલા સેન્ટ્રલ જેલમાં નવજોત સિંહ સિદ્ઘુ કરશે કલાર્કનું કામ: દરરોજ 30-90 રૂપિયા ચૂકવાશે

સિદ્ધુ જેલમાં કેદી નંબર 241383 બન્યો હતો. ક્લાર્ક તરીકે કામ કરવા માટે તેમને તાલીમ આપવામાં આવશે

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ  હાલ પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેમને 34 વર્ષ (1988) જૂના રોડ રેજ કેસમાંએક વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી 20 મેના રોજ તેને સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કર્યા પછી પટિયાલા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો. સિદ્ધુને જેલની સાત નંબરની બેરેકમાં રાખવામાં આવ્યા છે. સિદ્ધુ જેલમાં કેદી નંબર 241383 બન્યો હતો. મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ સિદ્ધુ જેલમાં ક્લાર્ક તરીકે કામ કરશે. આ માટે તેમને તાલીમ આપવામાં આવશે. તેમને કામ માટે મહેનતાણુ પણ ચૂકવવામાં આવશે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિદ્ધુને આ કામ માટે દરરોજ 30-90 રૂપિયા ચૂકવવામાં આવશે.

પહેલા દિવસે તેણે જેલમાં ભોજન લીધું ન હતું. જે બાદ તે બીમાર પડી ગયો હતો. આ પછી 23 મે એટલે કે સોમવારે સિદ્ધુને મેડિકલ તપાસ માટે પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 58 વર્ષીય સિદ્ધુ ‘એમ્બોલિઝમ’ અને લીવરની બીમારીથી પીડિત છે. વર્ષ 2015માં તેણે દિલ્હીની એક હોસ્પિટલમાં એક્યુટ ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT)ની સારવાર પણ કરાવી હતી. DVT નસમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, જે લોહીના પ્રવાહને અવરોધે છે. સિદ્ધુના વકીલના જણાવ્યા અનુસાર સિદ્ધુ ઘઉં, ખાંડ અને અન્ય કેટલીક ખાદ્ય ચીજોનું સેવન કરી શકતા નથી. “તે જામુન, પપૈયા, જામફળ, ડબલ ટોન્ડ દૂધ અને એવા ખોરાક લઈ શકે છે, જેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોતા નથી,”

રોડ રેજની ઘટનામાં 65 વર્ષીય ગુરનામ સિંહનું મોત થયું હતું. કોર્ટના નિર્ણય બાદ જ્યારે પત્રકારોએ સિદ્ધુનો જવાબ માંગ્યો તો તેમણે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરશે. સર્વોચ્ચ અદાલતે મે 2018માં સિદ્ધુને “ઈરાદાપૂર્વક નુકસાન” ના ગુના માટે દોષિત ઠેરવ્યો હતો, પરંતુ જેલની સજા ભોગવવાને બદલે, તેને માત્ર 1,000 રૂપિયાના દંડ સાથે છોડી દીધો હતો. જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલે ગુરુવારે ગુરનામ સિંહના પરિવારની સમીક્ષા અરજી સ્વીકારી લીધી અને સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા ફટકારી.

.

(11:01 pm IST)