મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

ભારતીય સેનાને મોટી સફળતા: કેરન સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર : મોટી માત્રામાં દારૂગોળો મળ્યો

આતંકીઓ પાસેથી 3 એકે રાઈફલ, 1 પિસ્તોલ, 6 ગ્રેનેડ અને મોટી માત્રામાં દારૂગોળો તેમજ IED સંબંધિત વસ્તુઓ પણ મળી

જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે, જ્યાં તેણે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસે આતંકીઓ પાસેથી 3 એકે રાઈફલ, 1 પિસ્તોલ, 6 ગ્રેનેડ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. આ સિવાય IED સંબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. આ માહિતી શ્રીનગરના પીઆરઓ દ્વારા આપવામાં આવી છે. પીઆરઓએ વધુમાં કહ્યું છે કે આ સ્થાનિક લોકોની શાંતિ-સમૃદ્ધિ અને અમરનાથ યાત્રામાં વિક્ષેપ પાડવાના ઈરાદાનો સ્પષ્ટ સંકેત છે. સુરક્ષા દળોને આજે બીજી સફળતા મળી છે.

અગાઉ, સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આ દરમિયાન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ તેમની કાર્યવાહીમાં માર્યા ગયા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું, “પોલીસને કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીના પ્રયાસ અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે સેના અને પોલીસે આતંકીઓને રોક્યા હતા.

તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. કુમારે કહ્યું, “આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ સૈનિકોએ દર્શન પોસ્ટની નજીક નિયંત્રણ રેખા પર કેટલીક શંકાસ્પદ હિલચાલ જોયા અને ઘૂસણખોરોને પડકાર્યા જેના પછી ગોળીબાર શરૂ થયો. તેમણે કહ્યું કે સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી જેમાં એક આતંકવાદી માર્યો ગયો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદી ઘાયલ થયો હતો અને બાદમાં સ્થળ પરથી ભાગી ગયો હતો.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે અને તેની પાસેથી મળેલા ઓળખ પત્ર મુજબ તેની ઓળખ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના અથમુક્કમ વિસ્તારના મોહમ્મદ નઝીર તરીકે થઈ છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ તેની પાસેથી મોટી માત્રામાં માદક દ્રવ્ય અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં હેરોઈનના 10 પેકેટ, બે એકે રાઈફલ, બે એકે મેગેઝીન અને બે પિસ્તોલ સહિત દારૂગોળો સામેલ છે.

(11:17 pm IST)