મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

સડોદરમાં આભ ફાટ્યુઃ ૧૮ ઇંચ

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી : કાલાવડ તાલુકાના ભ-ભેરાજા અને મોટા પાંચદેવડા-ધ્રાફામાં-પીપરટોડામાં ૧૨ ઇંચથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

તસ્વીરમાં  જામજોધપુરમાં વરસાદી પાણી ફરી વળતા નદી-નાળામાં ભારે પુર આવ્યા છે તે નજરે પડે છે. (તસ્વીરઃ મધુકાન્ત મહેતા-સડોદર)

(મધુકાન્ત મહેતા દ્વારા) સડોદર, તા., ર૬: શનિવારથી શરૂ થયેલ મેઘ મહેર આજે પણ યથાવત છે. ગઇકાલ સવારથી મોડી રાત્રી સુધીમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદરમાં આભ ફાટયું હોય તેમ ૧૮ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

શનીવારે ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ રવિવારે વરસાદનું જોર વધ્યું હતુ અને આખો દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. કાલે બપોરના ૧ર થી મોડી રાત્રી સુધીમાં ૧૮ ઇંચ વરસાદ વરસતા નદી-નાળામાં ભારે પુર આવ્યા હતા અને વાડી-ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા.

સડોદરના આહીર વૈજશીભાઇ મેરામણભાઇની ભેંસ તથા બળદગાડુ પાણીમાં તણાયું હતું. જેમાં બળદને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદથી અનેક ખેડુતોની જમીન ધોવાઇ ગયેલ છે.

જામનગર

(મુકુન્દ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભ-ભેરાજા, પાંચદેવડા, પીપર ટોડા, ભણગોર, ધ્રાફા સહીતના અનેક વિસ્તારોમાં ૧૨ ઇંચ વરસાદ વરસ્યો છે.

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેરથી ખેડુતોને ફાયદો થયો છે અને અનેક વિસ્તારોમાં વાવણીકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

(11:05 am IST)