મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

ખેડૂત સંગઠનોનુ આવતીકાલે 'ભારત બંધ'નુ એલાન : સવારના 6 વાગ્યાથી થશે અને જે સાંજે ચાર વાગ્યા સુધી બંધ ચાલશે

કોંગ્રેસ, ટીએમસી, કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષનું બંધને સમર્થન

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે 10 મહિનાથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ 27 સપ્ટેમ્બરે ભારતબંધનુ એલાન આપ્યુ છે. આ બંધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં પાળવામાં આવશે.

બંધની શરુઆત સવારના 6 વાગ્યાથી થશે અને જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. વિપક્ષી પાર્ટીઓએ પણ બંધના એલાનને સમર્થન આપ્યુ છે. જેમાં કોંગ્રેસ, ટીએમસી, કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષનો સમાવેશ થાય છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને આરજેડીના આગેવાન તેજસ્વી યાદવની પાર્ટી પણ બંધમાં ભાગ લેશે.

દેશવ્યાપી બંધને બેન્કોના યુનિયનોએ પણ સમર્થન આપ્યુ છે. યુનિયને સરકારને ખેડૂતોની માંગણીઓ પર વાતચીત કરવા માટે અપીલ કરી છે.સાથે સાથે કહ્યુ છે કે, ખેડૂતો સાથેની એકતા દર્શાવવા માટે દેશમાં બેન્ક કર્મચારીઓ બંધમાં જોડાશે. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડેરશનના કહેવા પ્રમાણે ખેડૂતોના દરેક પરિવાર પર સરેરાશ દેવુ વધીને 74000 થઈ ગયુ છે. જે 2013માં 47000 રુપિયા હતુ. આમ દેશમાં કૃષિ સેક્ટર સંકટમાં હોવાનુ દેખાઈ રહ્યુ છે.

જોકે ખેડૂત સંગઠનોનુ કહેવુ છે કે, બંધ દરમિયાન હોસ્પિટલો, દવાની દુકાનો, મેડિકલ સાથે જોડાયેલી બીજી સેવાઓ ચાલુ રહેશે અને પરીક્ષા કે ઈન્ટરવ્યૂ માટે જતા વિદ્યાર્થીઓને રોકવામાં નહીં આવે.

(5:00 pm IST)