મુખ્ય સમાચાર
News of Monday, 26th September 2022

લગ્નમાં આમંત્રિત મહેમાનો પાસે આધાર કાર્ડ હોય તો જ પ્રવેશ

લગ્નમાં આમંત્રિત મહેમાન પાસે આધાર કાર્ડ માગીને પ્રવેશ આપતો વીડિયો વાયરલ

લખનૌ, તા.૨૬: ઉત્તર પ્રદેશના અમરોહામાં આયોજિત એક લગ્નમાં આમંત્રિત મહેમાનોને તેમના આધારકાર્ડ બતાવવા માટે કહેવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ જ તેમને લગ્નસ્‍થળ પર જવા દેવામાં આવ્‍યા હતા. હા, તમે બરાબર જ વાંચ્‍યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમરોહાના હસનપુરમાં આ ઘટના બની હતી. લગ્નસ્‍થળે આવતા મહેમાનો ત્‍યાં પહોંચતા જ ચિંતિત થઈ ગયા હતા. કારણ કે ત્‍યાં ઉભેલો એક શખ્‍સ તેમની પાસે આધાર કાર્ડ માગી રહ્યો હતો. તેમાં જે લોકો આધાર કાર્ડ બતાવતા હતા તેમને જ અંદર જવા દેવામાં આવતા હતા અને ત્‍યારે જ એક શખ્‍સ પાસે આધાર કાર્ડ નહોતું તેથી તેને એન્‍ટ્રી આપવામાં આવી નહોતી. ત્‍યારે આ શખ્‍સે ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
હસનાપુરના ધવારસીમાંથી જાન આવી હતી. ત્‍યારે લગ્નસ્‍થળ બહાર મોટું ટોળું ભેગું થયું હતું. ત્‍યારે ત્‍યાં આવેલા જાનૈયાઓને આધાર કાર્ડ બતાવવા માટે કહેવામાં આવ્‍યુ હતુ. તેમાં જે લોકો આધાર કાર્ડ બતાવે તેને લગ્નસ્‍થળે જવા દેવાતા હતા અને બાકીનાને ઘૂસવા દેવાયાં નહોતા.
મળતી માહિતી પ્રમાણે, ૨૧મી સપ્‍ટેમ્‍બરે એક જ જગ્‍યાએ બે જાન આવી હતી. ત્‍યારે ભોજન પીરસવાનું શરૂ કર્યુ હતુ અને ત્‍યારે બીજી જાનના લોકો પણ પ્રવેશ કરતા હતા. ત્‍યારે કન્‍યાનો પરિવાર નારાજ થઈ ગયો હતો અને જમણવાર બંધ કરી દીધો હતો. તેમણે ભીડને કંટ્રોલ કરવા માટે આધાર કાર્ડ બતાવવાની શરત મૂકી હતી. જો કે, લગ્નના અમુક મહેમાનો ફિક્‍સ હતા કારણ કે તે સમયે તેમની પાસે કોઈ ઓળખનો પુરાવો નહોતો.

 

(4:14 pm IST)