મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 4 સુધીના બાળકો માટે ખુલી શકે શાળાઓ :કાલે કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય

રાજ્યના કોરોના સંબંધિત ચાઈલ્ડ ટાસ્ક ફોર્સની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં પ્રાથમિક શાળા શરૂ કરવા લીલી ઝંડી અપાતા કેબિનેટના નિર્ણય તરફ મીટ

મુંબઈ :હવે મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ ખુલવા જઈ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે તેના તરફથી ‘નો ઓબ્જેક્શન’ આપ્યું છે. રાજ્યના કોરોના સંબંધિત ચાઈલ્ડ ટાસ્ક ફોર્સની પણ મંગળવારે મહત્વની બેઠક યોજાઈ હતી અને તેઓએ પણ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.કેબિનેટની આ બેઠકમાં આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાણકારી આપી છે.

રાજેશ ટોપેએ કહ્યું કે, ધોરણ એક થી ચારના વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય, તેની પુરી સાવધાની રાખવામાં આવે તો સ્કુલ ખોલવામાં કોઈ પરેશાની નથી. આ સંદર્ભે, ચાઇલ્ડ ટાસ્ક ફોર્સનો પણ અભિપ્રાય છે કે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવે તો, પ્રથમથી ચોથા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં કોઈ અવરોધ નથી. અંતિમ નિર્ણયનો અધિકાર મુખ્યમંત્રી અને કેબિનેટનો છે.

ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો ગુરુવારે પણ આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દસ દિવસમાં નિર્ણય આવે તેવી પૂરી શક્યતા છે. કોરોના સમયગાળાની શરૂઆતથી, મોટાભાગના નિર્ણયો આરોગ્ય વિભાગ અને રાજ્ય કોરોના ટાસ્ક ફોર્સના અભિપ્રાયથી લેવામાં આવે છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા અનુસાર, રાજ્યના આરોગ્ય વિભાગે તેની મંજૂરી આપી દીધી છે અને રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સે પણ હકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેથી પ્રથમ ધોરણથી શાળા શરૂ કરવા અંગે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

 

ધોરણ 5 અને તેથી વધુના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલ્લી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમથી ચોથા ધોરણ સુધીની શાળાઓ બંધ છે. શાળા શિક્ષણ વિભાગે પ્રથમથી ચોથા ધોરણ સુધી શાળાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. હવે આરોગ્ય વિભાગે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ નિર્ણય લેવાનો છે.

હાલમાં, રાજ્યમાં દરરોજ સંક્રમણના લગભગ 700-800 નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ માટે વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખીને તેમની સંમતિ આપવી પડશે. રાજેશ ટોપેએ કહ્યું કે ‘મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર સૌમ્ય સ્વરૂપમાં આવવાનું અનુમાન છે. જો 12 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને સંક્રમણ લાગે છે, તો તેઓ તેમના ઘરના વૃદ્ધ સભ્યોને ચેપ લગાવી શકે છે. તેથી કેન્દ્ર સરકારે 12 થી 18 વર્ષના બાળકોને રસીકરણ કાર્યક્રમ અંગે સત્વરે નિર્ણય લેવો જોઈએ.

(9:08 pm IST)