મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

ભારતમાં પહેલીવાર પુરૂષોના મુકાબલે મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો : ૧૦૦૦ પુરૂષો સામે ૧૦૨૦ મહિલાઓ

ઘટશે દેશની વસ્તી ! પ્રજનન દરમાં ધરખમ ઘટાડો નોંધાયો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના તારણો બહાર આવ્યાઃ બાળકો પેદા કરવામાં ભારતીયોનો રસ ઘટી રહ્યો છેઃ રાષ્ટ્રીય સ્તરે પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા ૨.૨થી ઘટીને ૨.૦ થઈ ગઈ

નવી દિલ્હી, તા. ૨૫ :. દેશમાં પહેલી વખત પુરૂષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હવે, દરે ૧ હજાર પુરૂષ પર ૧૦૨૦ મહિલાઓ છે. આઝાદી પછી આવુ પહેલી વાર બન્યું છે કે જ્યારે પુરૂષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી ૧૦૦૦થી ઉંપર પહોંચી છે. આ પહેલા ૨૦૧૫-૧૬માં થયેલા એક સર્વે અનુસાર ૧૦૦૦ પુરૂષ પર ૯૯૧ મહિલાઓ હતી. એટલું જ નહીં, જન્મના સમય પર પણ સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે. ૨૦૧૫-૧૬માં એ પ્રતિ ૧૦૦૦ બાળકો પર ૯૧૯ બાળકીઓ હતી, જે ૨૦૧૯-૨૧માં સુધરી પ્રતિ ૧૦૦૦ બાળકો પર ૯૨૯ બાળકીઓ થઇ છે. ગામડાઓમાં ૧૦૦૦ પુરૂષ પર ૧૦૩૭ મહિલાઓ છે. જ્યારે શહેરોમાં ૯૮૫ મહિલાઓ છે.
દેશની વસ્તી ઘટવાની છે કારણ કે કુલ પ્રજનન દર એટલે કે પોતાના જીવનકાળમાં એક મહિલા દ્વારા કુલ બાળકોને જન્મ આપતી સરેરાશ સંખ્યા પ્રતિસ્થાપન દર (રીપ્લેસમેની લેવલ)થી નીચે આવી ગયેલ છે અને હવે તે ૨ થઈ ગયેલ છે. આ અંગેનો ખુલાસો નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા ૨૦૧૯-૨૧માં થયો છે. જેને ગઈકાલે જારી કરવામાં આવ્યો હતો. પ્રતિ સ્થાપન દર ટીએફઆર તેને કહેવાય છે જેમાં એક પેઢી, બીજી પેઢીને રીપ્લેસ કરે છે. સર્વે અનુસાર રીપ્લેસમેન્ટ દર ૨.૧ છે. સર્વે અનુસાર બિહાર ૩.૦, યુપી ૨.૪, ઝારખંડ ૨.૩માં કુલ પ્રજજન દર, પ્રતિસ્થાપન દરથી વધુ છે.  
૨૦૦૫-૦૬માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૩ દરમિયાન ભારતનો ટીએફઆર ૨.૭ હતો. જે ૨૦૧૫-૧૬માં ઘટીને ૨.૨ થઈ ગયો છે. બીજી તરફ સર્વે-૩ અને ૨૦૧૯-૨૧માં સર્વે ૫ વચ્ચે દેશની વધુ વસ્તીવાળા રાજ્યો એટલે કે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં ટીએફઆરમાં મોટો ઘટાડો નોંધાયો છે. આના કારણે દેશનો કુલ પ્રજનન દર ઘટી ગયો છે અને પ્રતિસ્થાપન દરથી નીચે ચાલ્યો ગયો છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫નું પ્રથમ ચરણ ૧૭ જૂન ૨૦૧૯થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ વચ્ચે કરવામાં આવ્યુ હતું અને બીજુ ચરણ ૨ જાન્યુઆરી ૨૦૨૦થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી ચાલ્યુ હતુ. ફેઈઝ-૧માં ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને બીજા ચરણમાં ૧૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સામેલ હતા. બિહારને બાદ કરીએ તો અન્ય બધા રાજ્યોમાં શહેરી ટીએફઆર પ્રતિસ્થાપન દરથી નીચે છે, તો ગ્રામીણ વિસ્તારોમાં પણ કુલ પ્રજનન દર માત્ર બિહાર, યુપી અને ઝારખંડમાં વધુ છે, તો મેઘાલય, મણીપુર અને મિઝોરમ જેવા નાના રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કુલ પ્રજનન દર વધુ છે.
મોટા રાજ્યોમાં કુલ પ્રજનન દર સૌથી ઓછો જમ્મુ કાશ્મીરમાં ૧.૪ છે. ૨૦૧૫-૧૬માં સર્વે બાદથી જમ્મુ કાશ્મીર જ એવુ રાજ્ય છે જ્યાં કુલ પ્રજનન દરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. સર્વે ૪માં કેરળ અને પંજાબનો દર ૧.૬ હતો જ્યારે તામીલનાડુમાં તે ૧.૭ હતો. નવા સર્વેમાં પંજાબમાં કુલ પ્રજનન દર ૧.૬ જ છે, પરંતુ કેરળ અને તામીલનાડુના કુલ દરમાં વધારો નોંધાયો છે. બન્નેમાં ટીએફઆર ૨૦૧૯-૨૧માં વધીને ૧.૮ થયો છે. સૌથી ઓછો પ્રજનન દર સિક્કીમનો ૧.૧ છે. જે દક્ષિણ કોરીયાના પ્રજનન દરની બરાબર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ રીપોર્ટ અનુસાર દાયકાઓથી ચાલ્યા આવતા સતત પરિવાર નિયોજન કાર્યક્રમને કારણે કુલ પ્રજનન દર એટલે ટીએફઆર અથવા તો પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઓછી પ્રજનન ક્ષમતાનો અનુભવ કરતા દેશમાં પ્રતિ મહિલા ૨.૧થી ઓછા બાળકોને જન્મ આપે છે. તેથી એ વાતનો સંકેત છે કે એક પેઢી ખુદને બદલવા માટે પૂરતા બાળકો પેદા નથી કરતા.
ભારતની જનસંખ્યામાં કુલ પ્રજનન દર એટલે કે ટીએફઆરમાં ઘટાડો આવ્યો છે. કુલ પ્રજજન દર રાષ્ટ્રીય સ્તર પર પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા ૨.૨થી ઘટીને ૨.૦ થઈ ગઈ છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે અનુસાર દેશમાં પુરૂષોના મુકાબલે હવે મહિલાઓની સંખ્યા વધી ગઈ છે. સર્વે અનુસાર ભારતમાં હવે ૧૦૦૦ પુરૂષો પર ૧૦૨૦ મહિલાઓ છે. ૨૦૦૫-૦૬ દરમિયાનના ત્રીજા સર્વેનો આંકડો ૧૦૦૦-૧૦૦૦ હતો તે પછી ૨૦૧૫-૧૬માં આ આંકડો ૧૦૦૦ પુરૂષોના મુકાબલે ૯૯૧ મહિલાઓ હતી. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવા સૌથી વધુ વસ્તીવાળા રાજ્યોનો કુલ પ્રજનન દર ઘટી ગયો છે.
 

(10:37 am IST)