મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

દરેક વખતે સોનિયાને કેમ મળવું જોઈએ? તે બંધારણીય રીતે ફરજિયાત નથી

આવું કહી મમતાએ કેવો સંકેત આપ્યો?

નવી દિલ્હી, તા.૨૫: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના વિસ્તરણમાં વ્યસ્ત છે. તેમના દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે ઘણા નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા. તેમાં કીર્તિ ઝા આઝાદ જેવા નામો પણ સામેલ છે. મમતાએ કહ્યું છે કે તેમની રાજકીય સફર તેમને  વારાણસી લઈ જશે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો લોકસભા મતવિસ્તાર છે. આ સિવાય મમતા મહારાષ્ટ્રની પણ મુલાકાત લેશે.

જયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ પંજાબની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી કોઈ પ્લાન નથી. બાદમાં, તેમણે કહ્યું, 'આપણે દરેક વખતે સોનિયાને કેમ મળવું જોઈએ? તે બંધારણીય રીતે ફરજિયાત નથી.' તેમની આ ટિપ્પણી તેમના પક્ષના વ્યાપક વિસ્તરણ વચ્ચે આવી છે. ઉલ્લેખનીય છે કે ટીએમએસમાં સામેલ થયેલા મોટાભાગના નેતાઓ કોંગ્રેસના છે.

છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં પક્ષ બદલનાર નેતાઓમાં ગોવામાં લુઇઝિન્હો ફાલેરો, દિવંગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી, સિલચરના પૂર્વ કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સંતોષ મોહન દેવની પુત્રીનો સમાવેશ થાય છે. આ સિવાય મેદ્યાલયના એક ડઝન ધારાસભ્યો મોડી રાત્રે ટીએમસીમાં જોડાયા હતા.

મમતા બેનર્જી સોનિયા ગાંધી સાથે સારા સમીકરણો શેર કરવા માટે જાણીતા હતા, પરંતુ તે આગામી પેઢી સુધી ફેલાઈ ન હતી. બેનર્જી પ્રત્યે બંગાળના કોંગ્રેસના નેતાઓની ઉદાસીનતાએ બંને પક્ષો વચ્ચે વધુ એક તિરાડ ઊભી કરી છે. તૃણમૂલ વડાએ કહ્યું છે કે તેઓ ઉત્ત્।ર પ્રદેશની આગામી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સહકાર આપવા તૈયાર છે. જો તૃણમૂલ યુપીમાં ભાજપને હરાવવામાં મદદ કરી શકે છે, તો અમે જઈશું. જો અખિલેશ યાદવ અમારી મદદ માંગે છે, તો અમે તેમને મદદ કરીશું.'

તૃણમૂલ વડાએ એમ પણ કહ્યું હતું કે તે ૧ ડિસેમ્બરે 'કેટલીક બિઝનેસ સમિટ' માટે મુંબઈ જશે, જયાં તે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવારને મળશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેણે વારાણસી જવાની યોજના બનાવી છે, કારણ કે કમલપતિ ત્રિપાઠીનો પરિવાર હવે તેમની સાથે છે.

(10:23 am IST)