મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

બે હોસ્ટેલ સીલ

હવે કર્ણાટકની મેડિકલ કોલેજમાં ફૂટયો કોરોના બોમ્બઃ ૬૬ વિદ્યાર્થીઓ પોઝિટીવ

બેંગ્લોર, તા.૨૫: દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, આ વચ્ચે કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં ૬૬ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ફફડાટ ફેલાયો છે. ઘણા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બન્યા હોવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને કોલેજ બિલ્ડિંગની બે હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કોલેજમાં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મળતી માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું જાણવા મળતા જ મેડિકલ કોલેજ દ્વારા તમામનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૩૦૦ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે અને તેમાંથી ૬૬ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ પહેલા પણ અનેક શાળા-કોલેજોમાં કોરોના બોમ્બ ફૂટ્યા છે.

તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરની એક શાળામાં ૧૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેલંગાણામાં પણ એક શાળામાં ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોનાનો શિકાર બની હતી. અન્ય ઘણા રાજયોની શાળાઓમાંથી પણ આવા જ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઓડિશામાં પણ બાળકોમાં કોરોનાનો ફેલાવો ઝડપથી થતો જોવા મળી રહ્યો છે.

(2:42 pm IST)