મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મોદી સરકાર તમામ મોરચા પર ફેઇલ

મમતાને મળ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામીનો કેન્દ્ર પર પ્રહાર

નવી દિલ્હી તા. ૨૫ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા બાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આજે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું. તેમણે લખ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થા, સરહદ સુરક્ષા, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે. તેમણે પૂછ્યું કે આ નિષ્ફળતાઓ માટે કોણ જવાબદાર છે.

ભાજપના રાજયસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી મમતા બેનર્જીને મળ્યા હતા. ત્યારથી રાજકીય અટકળોનું બજાર ગરમ છે. બેઠક બાદ સ્વામીએ મમતા બેનર્જીના જોરદાર વખાણ કર્યા. સ્વામીએ ટ્વીટમાં લખ્યું કે, હું જે પણ રાજનેતાઓને મળ્યો છું અથવા તેમની સાથે કામ કર્યું છે તેમાંથી મમતા બેનર્જી મોરારજી દેસાઈ, જેપી, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવા છે. આ લોકોના કથન અને કાર્યોમાં કોઈ ફરક નથી. ભારતીય રાજકારણમાં આ એક દુર્લભ ગુણ છે. તે જ સમયે, જયારે બીજેપી નેતાને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટીએમસીમાં જોડાશે તો તેમણે કહ્યું કે હું પહેલેથી જ તેમની સાથે છું. મારે પાર્ટીમાં જવાની જરૂર નથી.

સુબ્રમણ્યમ સ્વામી ભૂતકાળમાં ભાજપ પર પ્રહારો કરતા રહ્યા છે પરંતુ મમતાને મળ્યા બાદ તેઓ ખુલ્લેઆમ સામે આવ્યા હતા. એનડીએ સરકારની બીજી ઈનિંગમાં કોઈ મોટી ભૂમિકા ન મળવાથી નારાજ સ્વામી છેલ્લા કેટલાક સમયથી સરકારના નિર્ણયોની ખુલ્લેઆમ ટીકા કરતા ખચકાતા નથી.

(2:47 pm IST)