મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

પુણેની કો. ઓપરેટીવ બેન્‍કમાં 2 લૂંટારૂઓ ત્રાટક્‍યાઃ બેન્‍ક મેનેજરને બંદુકની ગોળીએ મોતને ઘાટ ઉતારીને અઢી લાખ લઇને નાસી છૂટયા

હેલ્‍મેટ પહેરીને આવેલા 2 શખ્‍સોની શોધખોળ

પુણે: પુણેમાં કો-ઓપરેટિવ બેંકમાં બે લૂંટારુઓ બંદુકની અણીએ બેંકમાં રાખેલા અઢી લાખ રુપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. જો કે, લૂંટનો વિરોધ કરી રહેલા બેંક મેનેજરને એક લૂંટારુએ ગોળી ધરબી દીધી હતી જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં બે લૂંટારુઓ એક બાઈક પર આવતા દેખાય છે. બંનેએ હેલમેટ પહેરેલા છે. બંને હાથમાં બંદુક લઈ બેંકના કોન્ફ્રેન્સ હોલમાં ઘૂસે છે, જ્યાં અનંત ગ્રામીણ બિગરશેતી સહકારી સંસ્થા બેંકના મેનેજર દશરથ ભોર એક મહિલા કર્મચારી સાથે વાતચીત કરી રહ્યા હતા.

લૂંટારાઓએ પહેલા મેનેજરને પૈસા આપવા કહ્યું અને જ્યારે તેણે ના પાડી તો લૂંટારુએ તેને છાતીમાં ગોળી મારી દીધી. જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યા હતા. કોન્ફ્રેન્સ હોલમાં હાજર મહિલા કર્મચારી આ જોઈને ડઘાઈ ગઈ હતી અને લૂંટારુઓ રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ માટે સીસીટીવી ચેક કરી રહી છે આ મામલાની તપાસ કરી રહેલા પુણે ગ્રામીણ પોલીસના એસપી ડૉ. અભિનવ દેશમુખે કહ્યું કે બેંક કર્મચારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પુણે ગ્રામીણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી લૂંટારુઓની શોધખોળમાં લાગી છે.

(4:05 pm IST)