મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

સ્વીડનના વડાંપ્રધાનનું ચૂંટાયાના ગણતરીના કલાકોમાં રાજીનામું

બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા : મહિલા પીએમ તરીકે ચૂંટયા બાદ તરત અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા રાજીનામુ આપવું પડ્યું

નવી દિલ્હી, તા.૨૫ : સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે.સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા મહિલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પણ પછી તરત અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા મેગ્ડેલના એન્ડરસનને પીએમ તરીકે રાજીનામુ આપવુ પડ્યુ છે.

સ્વીડનની ૩૪૯ બેઠકોવાળી સંસદમાં પીએમ બનવા માટે મેગ્ડેલના એન્ડરસનને ૧૧૭ સાંસદોનુ સમર્થન હતુ પણ તેની સામે ૧૭૪ તેમના વિરોધમાં હતા. પૈકી ૫૭ સાંસદ હાજર નહોતા.

જોકે ગઠબંધનના કારણે તેઓ પીએમ તો બની શક્યા હતા પણ ગણતરીના કલાકો બાદ તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.તેમને પહેલા ટેકો આપનાર ગ્રીન પાર્ટીને બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા હતા.જેના પગલે આખરે પીએમ એન્ડરસને રાજીનામુ આપી દેવાનો નિર્ણય લીધો હતો.

બાદમાં મેગ્ડેલના એન્ડરસનને કહ્યુ હતુ કે, મારા માટે સન્માનનો સવાલ હતો પણ હું એવી સરકારનુ નેતૃત્વ કરવા નહોતી માંગતી જેની કાયદેસરતા પર સવાલ ઉઠાવાય.

(7:26 pm IST)