મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

બંધારણ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં કોંગ્રેસ સહિતની વિપક્ષ પાર્ટીઓ ભાગ નહીં લે

સંસદના સેન્ટ્રલ હોલમાં ‘બંધારણ દિવસ’ પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે

નવી દિલ્હી :શુક્રવારે બંધારણ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદો ભાગ નહીં લે. આ કાર્યક્રમ સંસદભવનના સેન્ટ્રલ હોલમાં યોજાવાનો છે. સૂત્રોને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સિવાય TMC, RJD, DMK, CPI અને CPI-M પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.

સંસદના સેન્ટ્રલ હોલમાં શુક્રવારે ‘બંધારણ દિવસ’ પર સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. સંસદીય બાબતોના મંત્રાલયના નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ તેમના સંબોધન પછી બંધારણની પ્રસ્તાવના વાંચશે અને સમગ્ર દેશને તેમની સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકાર સતત બંધારણ પર હુમલો કરી રહી છે અને બંધારણીય સંસ્થાઓને નબળી બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના સંસદીય બાબતોના વ્યૂહાત્મક જૂથની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની સાથે અન્ય ઘણા વિપક્ષી દળો પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે. કોંગ્રેસના નેતાઓ વિરોધ પક્ષોના નેતાઓના સંપર્કમાં છે. ડીએમકે, શિવસેના, આરએસપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ(એમ), આરજેડી, જેએમએમ, આઈયુએમએલ અને કેટલાક અન્ય પક્ષો પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે.

(12:44 am IST)