મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

ધર્મ પરિવર્તન કરવાથી કોઇની જાતી નથી બદલાતી : મદ્રાસ હાઇકોર્ટ

વ્યકિત આરક્ષણ સંબંધીત લાભ લઇ શકે નહી

ચેન્નઈ તા. ૨૬ : એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવાથી જાતી બદલાઈ જતી નથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે દલિત વ્યક્તિ કે જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવી સરકારી નોકરીમાં પ્રાથમિક્તા મેળવવા માટે ઇન્ટર કાસ્ટ મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી તેને ફગાવી દીધી હતી. કાયદા મુજબ પરિવર્તન કરનાર દલિતને એસસી નહીં પણ બેકવર્ડ કોમ્યુનિટી તરીકે ગણવામાં આવે છે.
તામિલનાડુમાં જો બિનઅનામત વર્ગના વ્યક્તિના લગ્ન એસસી-એસટી વર્ગની વ્યક્તિ સાથે થાય અથવા તો બીસી વર્ગ અને એસસી-એસટી વચ્ચે લગ્ન થવાથી ઇન્ટર કાસ્ટ મેરેજ ગણવામાં આવે છે અને તેને સરકારી નોકરીમાં પ્રોયરિટી આપવામાં આવે છે.
ન્યાયમૂર્તિ એસ.એમ. સુબ્રમણ્યમે, ચૂકાદો આપતા કહ્યું કે માત્ર ધર્માંતરણ અને તેના બીસી સભ્ય તરીકે તેના પરિણામે વર્ગીકરણને કારણે, એક દલિત અન્ય દલિત સાથે તેના લગ્નને આંતર-જ્ઞાતિય લગ્ન તરીકે દાવો કરી શકતો નથી, જણાવ્યું હતું કે, ‘અરજીકર્તા કબૂલ કરે છે કે તે ખ્રિસ્તી આદિ-દ્રવિડર સમુદાયનો છે અને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનથી તેને પછાત વર્ગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, જન્મથી અરજદાર ‘આદિ-દ્રવિડર’ જાતીનો છે અને ધર્મ પરિવર્તનથી જાતી બદલાય નહીં. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સૌથી પછાત વર્ગો, પછાત વર્ગો અને અન્ય જાતિઓનું વર્ગીકરણ વ્યક્તિની જાતિ બદલાશે નહીં.’
આ કેસ એસ પૌલ રાજનો કેસ હતો કે જેઓ પછાત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા ખ્રિસ્તી આદિ-દ્રવિડ છે તેમણે જી અમુથા સાથે લગ્ન કર્યા, જે હિંદુ અરૂણથિયાર સમુદાયના છે. લગ્ન પછી, પૌલ રાજે દાવો કર્યો કે આ એક આંતર-જ્ઞાતિય લગ્ન છે કારણ કે તેઓ હવે બીસી સભ્ય છે અને દલિત નથી. તેમણે દાવો કર્યો હતો કે લ્ઘ્ સભ્ય સાથે ગ્ઘ્ સભ્યના લગ્નને તમામ મળવા પાત્ર લાભો સાથે આંતર-જાતિ લગ્ન તરીકે ગણવામાં આવે. તેમણે ૨ ડિસેમ્બર, ૧૯૯૬ના સરકારના આદેશના આધારે આ દાવો કર્યો હતો. જે કહે છે ‘જયાં પતિ-પત્નીમાંથી કોઈ એક લ્ઘ્/લ્વ્ સાથે સંબંધ ધરાવે છે, તો અરજદારની તરફેણમાં આંતર-જ્ઞાતિ લગ્નનું પ્રમાણપત્ર જારી કરવાનું રહેશે.’
સાલેમ જિલ્લાના અધિકારીએ તેમની અરજીને નકારી કાઢતા કહ્યું હતું કે તેઓ પોતે દલિત સમુદાયના છે અને તેમનું ધર્માંતરણ તેમની જાતિની સ્થિતિમાં ફેરફાર કરતું નથી. જે બાદ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના અંગે ચુકાદો આપતાં હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણિયમે કહ્યું કે, ‘કોઈ ધર્મ પરિવર્તન કરેલી વ્યક્તિ આંતર-જાતિ લગ્ન પ્રમાણપત્રનો દાવો કરતી હોય તો, તે નાગરિક માટે આંતર-જ્ઞાતિય લગ્ન ક્વોટા હેઠળ આપવામાં આવેલા લાભનો દુરૂપયોગ કરવાનો માર્ગ મોકળો કરશે. તેની અસર મોટી હશે અને તેથી આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણપત્ર ત્યારે જ જારી કરવાનું રહેશે જયારે પતિ-પત્નીમાંથી કોઈ એક અનુસૂચિત જાતિના હોય અને બીજુ પાત્ર અન્ય જાતિના હોય.’

 

(11:33 am IST)