મુખ્ય સમાચાર
News of Saturday, 26th November 2022

સાન ફ્રાન્સિસ્કો પોલીસના ઘાતક ઓપરેશનમાં તૈનાત થશે રોબોટ: સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો

જનતા કે અધિકારીઓના જીવન પર જોખમ હોય અને એસએફપીડીની પાસે કોઈ અન્ય વિકલ્પ બચ્યો ના હોય ત્યારે રોબોટના ઉપયોગની મળશે મંજૂરી

સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો સ્વીકાર થયા બાદ ઘાતક ઓપરેશનમાં મિલિટરી-સ્ટાઈલ રોબોટના ઉપયોગની મંજૂરી મળી જશે. પ્રસ્તાવમાં ખાસ કરીને કહેવામાં આવ્યુ છે કે રોબોટ માત્ર એક ઘાતક વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવશે જ્યારે જનતા કે અધિકારીઓના જીવન પર જોખમ હોય અને એસએફપીડીની પાસે કોઈ અન્ય વિકલ્પ બચ્યો ના હોય.

વિભાગની પાસે પહેલેથી જ 17 રિમોટ સંચાલિત રોબોટ છે જે મુખ્ય રીતે બોમ્બ સ્કવોડ કામમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી 12 કાર્યશીલ છે. અમુક વિશેષ પરિસ્થિતિઓમાં રોબોટનો ઉપયોગ કર્યા સિવાય એસએફપીડી તેમને તાલીમ માટે, ગુનેગારોને પકડવા, વોરંટ આપવા કે શંકાસ્પદ સ્થિતિ દરમિયાન ઉપયોગ કરવા માટે અનુમતિ પણ માગી રહ્યા છે. 

ઘાતક કાર્યોને અંજામ આપવા માટે રોબોટનો ઉપયોગ કોઈ નવી વાત નથી. 21 મી સદીની શરૂઆત બાદથી જ સેના ડ્રોન સિસ્ટમના ઉપયોગ પર ઝડપથી ભરોસો કરવા લાગી છે પરંતુ સ્થિતિ કંઈક વધુ જટિલ થઈ જાય છે જ્યારે કોઈ નાગરિક કાયદાકીય એજન્સીઓ ઘાતક કાર્યોમાં રોબોટનો ઉપયોગ કરવાનું વિચારે છે. 2016માં ડલાસ પોલીસે પાર્કિંગ ગેરેજમાં એક સશસ્ત્ર શૂટરને મારવા માટે એક બોમ્બ સ્ક્વોડ રોબોટનો ઉપયોગ કર્યો હતો.

(10:08 pm IST)