મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

મોદી સરકારની જલ જીવન મિશન'ની ઝાંખીના ચાહક થયા આનંદ મહિન્દ્રા:જોરદાર કર્યા વખાણ

'જલ જીવન મિશન' દરેકના જીવનમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા માટે એક સીમાચિહ્નરૂપ

નવી દિલ્હીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ફાઉન્ડર આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બુધવારે જ્યારે આખો દેશ 73 માં ગણતંત્ર દિવસની ઝલક જોઈ રહ્યો હતો ત્યારે આનંદ મહિન્દ્રા પણ રાજપથ પર પરેડ જોઈ રહ્યા હતા. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર આ ટેબ્લોમાંથી તેમની પસંદગીની ઝાંખી શેર કરી છે.

વાતચીતનો સિલસિલો ખુદ આનંદ મહિન્દ્રાએ કર્યો. આનંદ મહિન્દ્રાએ પ્રથમ ટ્વીટમાં લખ્યું, 'અમારા બાળપણમાં જ્યારે પણ અમે 26 જાન્યુઆરીની પરેડ જોતા હતા, ત્યારે શ્રેષ્ઠ ઝાંખી માટે અમે મત આપતા હતા. હું જાણવા માટે ઉત્સુક છું કે તમે લોકો આ વર્ષે કોને મત આપો છો. મને લાગે છે કે મારાવાળી અત્યારે નીકળી..

 આનંદ મહિન્દ્રાને 26 જાન્યુઆરીએ પરેડમાં 'જલ જીવન મિશન'ની ઝાંખી પસંદ પડી હતી. તેમણે લખ્યું- 'મારો મત આ ઝાંખીને જશે, કારણ કે 'જલ જીવન મિશન' દરેકના જીવનમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા માટે એક સીમાચિહ્નરૂપ છે. લદ્દાખમાં 14,000 ફૂટની ઊંચાઈએ ભારત-ચીન સરહદ નજીક માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લોકોને 24x7 નળમાંથી પાણી મળશે.

નોંધનીય છે કે વર્ષ 2019 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જલ જીવન મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના છેવાડાના ગામડાઓમાં દરેક ગ્રામીણ ઘરોમાં પાઇપ વડે પીવાનું પાણી પહોંચાડવાનો છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા આ મિશનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઝાંસીમાં ટીપાના આકારની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. તે જ સમયે, લદ્દાખમાં આ મિશન કેવી રીતે લાગુ કરવામાં આવી રહ્યું છે તે બતાવવામાં આવ્યું છે.

(11:45 pm IST)