મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

દરબાર સાહિબ બાદ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી જલિયાંવાલા બાગ પહોંચ્યા

કોંગ્રેસના નેતાએ મિશન પંજાબ શરૂ કર્યું : જલિયાંવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી, શ્રી દુર્ગ્યાણા મંદિર, ભગવાન વાલ્મીકિ તીર્થ ખાતે માથું ટેકવ્યું

નવી દિલ્હી, તા.૨૭ : કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજથી મિશન પંજાબ શરૂ કર્યું છે. આ માટે તેઓ સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા અમૃતસર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિદ્ધુની આગેવાનીમાં કોંગ્રેસી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી દરબાર સાહિબ પહોંચ્યા હતા.  કોંગ્રેસી ઉમેદવારો સાથે દરબાર સાહિબ ખાતે માથું ટેકવ્યા બાદ રાહુલ ગાંધીએ પંગતમાં બેસીને લંગરનો પ્રસાદ લીધો હતો અને ત્યાર બાદ તેઓ જલિયાંવાલા બાગની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શ્રી દુર્ગ્યાણા મંદિર અને ભગવાન વાલ્મીકિ તીર્થ ખાતે માથું ટેકવવા નીકળી ગયા હતા.

ત્યાર બાદ તેઓ જાલંધર જવા માટે રવાના થશે. રાહુલ ગાંધી જાલંધરના મિટ્ઠાપુર ખાતે બપોરે ૩:૩૦થી ૪:૩૦ કલાક સુધી 'પંજાબ ફતેહ' નામની વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરશે. કોરોનાના કારણે રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી તેઓ આ રેલી દ્વારા જ પંજાબમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. બાદમાં આદમપુર એરપોર્ટથી તેઓ દિલ્હી માટે રવાના થશે.

 

(7:39 pm IST)