મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

દરેક રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવશે : નિષ્ણાતોનો દાવો

પેનલ ડિસ્કશનમાં નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી : ભારતમાં યુવાનોની સંખ્યા વધુ હોઈ અન્ય દેશોની સરખામણીએ બીજી લહેરની તિવર્તા ઓછી હોઈ શકે છે

બેંગલુરુ, તા. ૨૬ : કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર માનવામાં આવી રહી છે. કર્ણાટક અને તમિળનાડુના એક્સપર્ટસના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાં પણ આજે નહીં તો કાલે આવી સ્થિતિ આવશે જ. કોરોના વાયરસ, તેના વેરિયટન્સ અને વેક્સિનેશન પર ગુરુવારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં એક્સપર્ટસે કહ્યું કે, (કોરોનાની) બીજી લહેર નિશ્ચિત છે.

શું ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું છે? તેના પર ચેન્નઈની એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડો. વી રામાસુબ્રમણિયમે કહ્યું કે, યુકે અને યુએસ સહિતના દેશો કે જે ભારત કરતા કેસોની બાબતમાં ત્રણથી ચાર મહિના આગળ છે, તેમાં બીજી લહેર આવી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી. પરંતુ શક્યતા છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે, કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે.

નિમ્હાન્સના ડિપાર્ડમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કર્ણાટક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહ્યું કે, ભારત બીજી લહેરથી બચી નહીં શકે. તેમણે કહ્યું કે, મોટાભાગના લોકો એવું માની રહ્યા છીએ કે આપણે બધાથી અલગ છીએ, પરંતુ વાયરસ એક દિવસ તો દરેકને ઝપેટમાં લેશે જ.

તેમણે કહ્યું કે, જ્યારે કેસોમાં મોટો ઉછાળો આવશે ત્યારે જ લોકો જવાબદારી પૂર્વક વર્તશે અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધશે. તેમણે કહ્યું કે, એકવાર લહેર ધીમી પડે, એટલે લોકો નિશ્ચિંત બની જાય છે. ડો. રવિએ કહ્યું કે, કેરળ તેનું ઉદાહરણ છે. જ્યારે કેસો વધારે હતા ત્યારે ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ નહીં. કોઈપણ મહામારીની બીજી લહેર આવે જ છે. ડો. રામાસુબ્રમણિયમે જણાવ્યું કે, તમિળનાડુમાં જ્યારે કેસો વધી રહ્યા હતા ત્યારે દર્દીઓના આંકડા ઓછા બતાવવા માટે ઘણું દબાણ હતું. તેમણે કહ્યું કે, પરંતુ એક્સપર્ટસએ એવું ન કર્યું અને મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ રાખ્યું. જોકે, કેરળે તેમ ન કર્યું. કર્ણાટકનું ઉદાહરણ આપતા ડો. રવિએ કહ્યું કે, 'રાજ્યએ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૧૦ લોકોના ટેસ્ટ કર્યા હતા. તેના કારણે અને દિવસમાં ૧.૨ લાખ ટેસ્ટ કરી શક્યા હતા. હવે, તેની સંખ્યા ઘટીને દિવસના ૭૫,૦૦૦ ટેસ્ટ થઈ ગયા છે.' તેમણે કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગે ટેકનિકલ એક્સપર્ટ કમિટીને ટેસ્ટ ઘટાડવા અંગે પૂછ્યું હતું, પરંતુ અમારો જવાબ 'ના' હતો.' ડો. રવિએ કહ્યું કે, જો અમે ઓછા ટેસ્ટ કરીશું તો કેસોમાં ઉછાળો આવશે. વાયરસને હરાવવા માટે ટેસ્ટિંગ શક્તિશાળી શસ્ત્ર છે. આપણે દરેક સંક્રમિત વ્યક્તિને શોધવો અને તેનો ટેસ્ટ કરવો જરૂરી છે, કેમકે તે વાયરસના ફેલાવાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે.

(12:00 am IST)