મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

કેન્દ્ર સરકારે છ વર્ષમાં ૧૫ એઈમ્સને મંજૂરી આપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ડૉ. એમજીઆર મેડિકલ યુનિ.નો ૩૩મો દીક્ષાંત સમારોહ : તમિલનાડુમાં ૧૧ નવી મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી, પ્રત્યેક મેડિકલ કોલેજ માટે સરકાર ૨,૦૦૦ કરોડ આપશે

નવી દિલ્હી, તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમિલનાડુની ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના ૩૩મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. પીએમઓએ આ સમારંભમાં કુલ ૧૭,૫૯૧ કેન્ડિડેટ્સને ડિગ્રી અને ડિપ્લોમાથી સન્માનિત કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ આ પ્રસંગમાં સહભાગી બન્યા હતા.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને તેમની સરકારે તમિલનાડુમાં ૧૧ નવી મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. જે જિલ્લાઓમાં વર્તમાન સમયમાં એક પણ મેડિકલ કોલેજ કાર્યરત નહીં હોય ત્યાં આ નવી કોલેજ સ્થાપિત કરવામાં આવશે. તમિલનાડુમાં બનનારી પ્રત્યેક મેડિકલ કોલેજ માટે ભારત સરકાર ૨,૦૦૦ કરોડ રૂપિયા આપશે. વડાપ્રધાને આપણા દેશમાં ડૉક્ટર્સ સૌથી સન્માનિત વ્યવસાયિકો પૈકીના એક છે અને કોરોના મહામારી બાદ તેમના પ્રત્યેના સન્માનમાં વધારો થયો છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાને આગળ કહ્યું કે, ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૬ એઆઈઆઈએમએસ હતી. છેલ્લા ૬ વર્ષમાં તેમની સરકારે દેશભરમાં વધુ ૧૫ એઆઈઆઈએમએસને મંજૂરી આપી છે. ઉપરાંત છેલ્લા ૬ વર્ષોમાં ૨૦૧૪ની સરખામણીએ એમબીબીએસની સીટમાં ૫૦ ટકાનો એટલે આશરે ૩૦,૦૦૦થી વધુનો વધારો થયો હોવાની માહિતી આપી હતી. તે સિવાય ૨૦૧૪ની સરખામણીએ પીજીની સીટમાં ૮૦ ટકાનો એટલે આશરે ૨૪,૦૦૦નો વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

(12:00 am IST)