મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ટ્વિટરમાં "સુપર ફોલો" ફીચર લૉન્ચ થશે: ફોલોઅર્સ પાસેથી વધારાની રકમ વસૂલી શકશે: થશે કમાણી : જાણો કઈ રીતે

યૂઝર વિશેષ ટ્વીટ, ખાસ ગ્રૂપ કે કૉમ્યુનિટીમાં જોડાવા કે ન્યૂઝલૅટર મેળવવાના બદલામાં ચાર્જ કરી શકશે

સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરે પ્લૅટફૉર્મ ઉપર "સુપર ફોલો" ફીચર લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જેની મદદથી એકાઉન્ટ-યૂઝર ખાસ માહિતી કે સામગ્રી માટે ફોલોઅર્સ પાસેથી વધારાની રકમ વસૂલી શકશે.

રોકાણકારો સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં કંપનીએ ચાલુ વર્ષે લૉન્ચ થનારા નવા ફિચર અંગે માહિતી આપી હતી.

કંપનીનું કહેવું છે કે યૂઝર વિશેષ ટ્વીટ, ખાસ ગ્રૂપ કે કૉમ્યુનિટીમાં જોડાવા કે ન્યૂઝલૅટર મેળવવાના બદલામાં ચાર્જ કરી શકશે.

કંપની લાઇવ ઓડિયો ડિસ્કસન સર્વિસનું ટેસ્ટિંગ કરી રહી હોવાના પણ અહેવાલ છે - જેના દ્વારા કંપની 'ક્લબહાઉસ'ને ટક્કર આપવા ચાહે છે, જે માત્ર ઓડિયો ડિસ્કસન માટેનું પ્લૅટફૉર્મ પૂરું પાડે છે.

ટ્વિટરના સ્થાપક જેક ડૉર્સીએ કહ્યું હતું, "લોકો શા માટે આપણા ઉપર વિશ્વાસ નથી કરતા, તેનાથી શરૂઆત કરવાની જરૂર છે. આપણે ધીમા છીએ, આપણે ઇનૉવેટ નથી કરતા તથા વિશ્વસનીય નથી."

આવકની આકાંક્ષા

વર્ષ 2006માં ટ્વિટરની સ્થાપના થઈ હતી, પરંતુ તેણે સૌપ્રથમ વખત વર્ષ 2018માં નફો કર્યો હતો. કંપની 2023 સુધીમાં પોતાની આવકને બમણી કરવાનું લક્ષ્‍યાંક ધરાવે છે.

CCS ઇનસાઇટના ઍનાલિસ્ટ બૅન વૂડના કહેવા પ્રમાણે, "નવી સેવા દ્વારા કંપની આવક વધારવા માગે છે, એ વાતમાં કોઈ શંકા નથી."

"જે એકાઉન્ટધારક પાસે એવી માહિતી (કે સામગ્રી) હશે કે જેના વગર વગર ચાલે એમ જ ન હોય તો તેને આવક થઈ શકે છે. પરંતુ સરેરાશ વપરાશકર્તાને કોઈ ખાસ આવક થશે એમ નથી લાગતું."

ટ્વિટરાઇટ્સમાં આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નવારાએ તેમના ફોલોઅર્સને પૂછ્યું હતું કે શું તેઓ ફૅવરિટ એકાઉન્ટના કન્ટેન્ટ માટે પ્રિમિયમ આપશે? સરવેમાં ભાગ લેનારા 85 ટકા યૂઝર્સે નકારમાં જવાબ આપ્યો હતો.

(12:40 am IST)