મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

અમેરિકી રિપોર્ટમાં ધડાકો

સાઉદી પ્રિન્સ સલમાને આપી હતી પત્રકાર ખગોસીને પકડવા તથા હત્યા કરવા માટે મંજુરી

વોશિંગ્ટન,તા. ૨૭: વોશિંગ્ટન પોસ્ટનાં પત્રકાર જમાલ ખગોસીની હત્યાનાં વિવાદાસ્પદ કેસમાં સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સંડોવણી હોવાનું તારણ અમેરિકાનાં એક રિપોર્ટમાં રજૂ કરાયું છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થાનાં આ રિપોર્ટને શુક્રવારે જાહેર કરવામાં આવે તેની શકયતા છે. સાઉદી ક્રાઉન પ્રિન્સે પત્રકાર ખગોસીની હત્યા માટે મંજૂરી આપી હોવાનું તપાસમાં જણાયું છે. ઇસ્તંબુલ ખાતે સાઉદી અરેબિયાનાં દૂતાવાસમાં ઓકટોબર ૨૦૧૮માં ખગોસીની હત્યા કરાઈ હતી. અમેરિકાની CIA તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ અંગે સનસનાટીભરી માહિતી દર્શાવવામાં આવી છે. ખગોસીની હત્યામાં પ્રિન્સ મોહમ્મ્દની ભૂમિકા અંગે રિપોર્ટમાં કેટલી વિગતો છે અને કેટલી જાહેર કરાશે તે હજી જાણવા મળ્યું નથી.

ઓફિસ ઓફ ધ ડિરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સૌથી મોટા ક્રૂડ ઓઈલ નિકાસકાર સાઉદી સાથે સંબંધો સુધારવા બાઇડેન સરકાર કેટલી ગંભીર છે તે આ રિપોર્ટની કેટલી વિગતો જાહેર કરવામાં આવશે તેના પરથી જાણી શકાશે. રિપોર્ટની વિગતો જાહેર કરવામાં આવે તે પહેલાં યુએસ પ્રમુખ બાઇડેન અને સાઉદી અરેબિયાનાં કિંગ સલમાન વચ્ચે ફોન પર લાંબી વાતચીત કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રાદેશિક સુરક્ષા તેમજ યમનમાં યુદ્ઘનો અંત લાવવા અમેરિકા તેમજ યુએનનાં પ્રયાસોનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

(10:10 am IST)