મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

રામમંદિર માટે ટ્રસ્ટની તિજોરી રૂ. ૧૯૦૦ કરોડના ભંડોળથી છલકાઇ

વિશ્વ હિન્દુ પરિષદે ૧૫ જાન્યુઆરીથી ભંડોળ ઉઘરાવવાનું શરૂ કર્યું

અયોધ્યા,તા.૨૭: રામમંદિર બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યાની ચાર દિવસની મુલાકાતે છે. ગુરુવારે તેમણે રામજન્મભૂમિ સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. રામમંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદદેવગિરિએ જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદે ૧૫ જાન્યુઆરીથી ભંડોળ ઉદ્યરાવવાનું શરૂ કર્યા પછી વર્તમાનમાં ટ્ર્સ્ટના ખાતામાં રૂપિયા ૧,૯૦૦ કરોડની સિલક પડેલી છે.

લાર્સન એન્ડ ટુબ્રો તેમ જ તાતા કન્સલ્ટન્સીના ઇજનેરોએ પણ ફૈઝાબાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નૃપેન્દ્ર મિશ્રા સાથે મંદિરના પાયાની નવી બ્લૂપ્રિન્ટ સંબંધમાં તેમની સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં જિલ્લાના વહીવટી અધિકારીઓ તેમ જ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાયામાં આવતા સરયુના જળને રોકવા મુંબઇ લેબમાં તૈયાર થયેલી ડિઝાઇનના મહત્ત્વના મુદ્દાની ચર્ચા થવા ઉપરાંત રામમંદિરને અયોધ્યાના ભવ્ય વિકાસ સાથે સાંકળવા પણ ચર્ચા થઈ હતી.

યાત્રીઓને તકલીફ ના પડે તે રીતે રામજન્મભૂમિ સ્થાને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા પણ ચર્ચા થઈ હતી. પાંચ કલાક ચાલેલી બેઠકમાં મુખ્યત્વે મંદિરના પાયાની ડિઝાઇનના બ્લૂપ્રિન્ટ પર ચર્ચા થઈ હતી. મંદિર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પાયા ખોદકામ અને કાટમાળને દૂર કરવાની કામગીરીનો ટૂંક સમયમાં આરંભ થશે. પાયાની ડિઝાઇન અને તેમાં વપરાનારી સામગ્રી વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મંદિર નિર્માણની કામગીરીને અયોધ્યાના વિકાસ સાથે સાંકળવા પણ વિચારણા થઈ હતી.

(10:11 am IST)