મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

SBI મ્યુ. ફંડ આઇપીઓ

દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની ૭,૫૦૦ કરોડ રૂપિયાનો IPO લાવશે

અત્યાર સુધી SBIની ચાર કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઇ ચૂકી છે. જેમાં એસબીઆઇ હોમ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઇ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે

મુંબઈ તા. ૨૭ : દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની (SBI Mutual Fund) પ્રાઇમરી માર્કેટમાંથી ૭,૫૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO લોંચ કરવાની તૈયારી કરી રહી છે. SBI Mutual Fundનો આ આઈપીઓ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો આઈપીઓ હશે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે SBI Mutual Fund પોતાના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને શેરહોલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે આ અંગે દરખાસ્ત તૈયાર કરવાની વાત કરશે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે SBI Mutual Fundની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પાંચ લાખ કરોડથી વધારે છે. તેના કુલ AUMમાં ૪૦ ટકા હિસ્સો સરકારી પૈસાને કારણે આવે છે. કંપની કેટલા કરોડનો આઈપીઓ લાવશે તેનો ચોક્કસ આંકડો માર્ચની AUM આવ્યા પછી ખબર પડશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું વેલ્યૂએશન હાલ સાત અબજ ડોલર એટલે કે ૫૨ હજાર કરોડ રૂપિયા છે.

અત્યાર સુધી SBIની ચાર કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે. જેમાં એસબીઆઈ હોમ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ અને ખુદ SBI શામેલ છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આ IPO મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો ચોથો પબ્લિક આઈપીઓ છે. આ પહેલા HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ અને યૂટીઆઈ એએમસી (UTI AMC)નો આઈપીઓ આવી ચૂકયા છે.

સૌથી પહેલા ૨૦૧૭માં નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડે ૧,૫૪૨ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જે બાદમાં ૨૦૧૮માં HDFC મ્યુચ્યુઅલ ફંડે આઈપીઓ મારફતે ૨,૮૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જયારે ગત વર્ષે UTI AMCએ આઈપીઓ મારફતે ૧,૫૪૨ કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

(10:15 am IST)