મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

નાઇજિરિયામાં બંદૂકધારીઓએ શાળાની ૩૦૦ વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યું

બદમાશોએ નજીકની લશ્કરી છાવણી અને ચેકપોઇન્ટને પણ નિશાન બનાવ્યા

લાગોસ, તા. ૨૭: બંદૂકધારીઓની એક મોટી ટોળકી શુક્રવારે વહેલી સવારે ઉત્ત્।ર નાઇજિરિયાની એક શાળા પર હુમલો કરીને સેંકડો વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી ગઇ હતી. ઝામ્ફારા પ્રાંતની સરકારી માધ્યમિક જાન્ગેલે શાળાની આશરે ૩૦૦ વિદ્યાર્થીઓને  બદમાશો ઉઠાવી ગયા છે. છોકરીઓ ૧૦ થી ૧૩ વર્ષની છે.

બંદૂકધારી બદમાશોએ નજીકની લશ્કરી છાવણી અને ચેકપોઇન્ટ પર પણ હુમલો કર્યો હતો આને લીધે લશ્કર શાળાની વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે દોડી જઇ શકયું ન્હોતું બંદૂકધારીઓના હલ્લામાં કોઇ મોત થયું છે કે કેમ એ તુર્ત જાણી શકાયું નથી. ઝામ્ફારા પ્રાંતમાં સશસ્ત્ર માનવીઓનાં કેટલાક મોટા જુથ વસે છે. તેઓ પૈસા માટે અને એમના સાગરિતોને જેલમાંથી છોડાવવા માટે નિર્દોષ નાગરિકોના અપહરણ કરે છે.

આ માસના પ્રારંભે, નાઇજિરિયાના નાઇજર રાજયમાં એક અન્ય શાળા પર ધસી જનારી બંદૂકધારીઓની એક ટોળકીએ એક વિદ્યાર્થીની હત્યા કરી હતી, જયારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને કૌટુંબિક સભ્યો સહિત ૪૨ જણનું અપહરણ કર્યું હતું. બે મહિનાથી લાંબા સમયગાળા અગાઉ બંદુકધારીઓએ અગ્નિ નાઇજિરિયાના કારસિના રાજયની એક માધ્યમિક શાળાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું.

(10:16 am IST)