મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

આંધ્રમાં મજૂરે મોટી પુત્રીના ઇલાજ માટે નાની પુત્રીને વેચી

ગરીબીમાં લાચાર પરિવારની દિલદ્રાવક ઘટના : મહિલા અને બાલ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ૪૬ વર્ષના પુરૂષ પાસેથી બાળકીનું રેસ્ક્યું કર્યું

નેલ્લોર, તા. ૨૭ : વિધિની વક્રતા કહો કે ગરીબીની મજબૂરી માણસ ક્યારેક એટલો લાચાર બની જાય તે આંધ્ર પ્રદેશની ઘટનાથી ચોક્કસપણે અનુભવી શકાય છે. આંધ્ર પ્રદેશના નેલ્લોરમાંથી તમામ લોકોના દિલ-દિમાગ બંનેને હલબલાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક દહાડી મજૂરને પોતાની મોટી દીકરીના સારવાર માટે નાની દીકરીને તેનાથી ક્યાંય મોટા અને ૪૬ વર્ષના ઢગાને વેચી દેવાનો વારો આવ્યો છે. જોકે મામલાની જાણ પાછળથી મહિલા અને બાલ કલ્યાણ વિભાગના અધિકારીઓને મળતા તેમણે બાળકીનું રેસ્ક્યું કર્યું હતું.

દંપત્તિને ૧૨ અને ૧૬ વર્ષની બે દીકરીઓ છે. મોટી દીકરીને શ્વાસ લેવાની બીમારી છે. જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી છે. દંપત્તિને ૧૨ વર્ષની દીકરીછે જેનું નામ ચિન્ના છે. મોટી દીકરીની સારવાર માટે રુપિયા મેળવવા તેમણે પોતાની દીકરીને પડોશમાં રહેતા એક આધેડ વ્યક્તિને વેચી દીધી હતી. જેણે બુધવારે નાનકડી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા. અંગે કોઈ જાગૃત વ્યક્તિએ અધિકારીઓને જાણ કરતા પાછળથી બાળકીને રેસ્ક્યુ કરીને ચાઇલ્ડ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવી છે. જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

આરોપી સુબૈયા કોટ્ટુર દંપત્તિનો પડોશી હતો. દંપત્તિએ મોટી દીકરીના સારવાર માટે રુપિયા માગ્યા હતા જે બાદ તેમણે સોદો રુ. ૧૦૦૦૦માં નક્કી કર્યો હતો. જ્યારે દંપત્તિએ પોતાની દીકરી માટે રુ. ૨૫૦૦૦ માગ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પારિવારીક ઝગડાઓના કારણે સુબૈયા અને તેની પત્ની વચ્ચે અણબનાવ હતો જેના કારણે પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારથી પડોશી એકલો રહેતો હતો. જેથી તેણે દંપત્તિને રુપિયાના બદલામાં તેમની બીજી દીકરી સાથે લગ્ન કરવાની ઓફર આપી હતી. બાળકીને તેના માતા-પિતા પાસેથી ખરીદ્યા બાદ સુબૈય્યાએ તેની સાથે સમાજની વિધિ મુજબ લગ્ન કર્યા અને બુધવારે રાત્રે દામપુર સ્થિતિ પોતાના સંબંધીના ઘરે લઈ ગયો હતો.

જોકે અહીં પહોંચ્યા પછી નાની બાળકી ડરી ગઈ હોવાથી તે જોર જોરથી ચીસો પાડીને રડવા લાગી હતી. જેનો અવાજ પડોશીઓએ સાંભળતા તેમણે અધિકારીઓ સુધી વાત પહોંચતી કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ કહ્યું કે, 'અમે જાણકારી મેળવવા માટે સુબૈય્યાને સંબંધીના ઘરે પહોંચ્યા હતા. જે બાદ અમે સ્થાનિક સરપંચનો સંપર્ક કર્યો હતો. જેમણે અમને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ અમે બાળકીને રેસ્ક્યુ કરીને કેર સેન્ટરમાં મોકલી આપી હતી અને પોલીસે સુબૈય્યા વિરુદ્ધ કેસ દાખલ કરીને પૂછપરછ શરું કરી છે.'

(7:50 pm IST)