મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

રોજગારી બંધ, મોંઘવારી બુલંદ, આંખો બંધ એટલે જ ભારત બંધ

ભાજપને વિવિધ મુદ્દે ઘેરતા કોંગ્રેસના નેતા : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટ કરી મોદી સરકાર પર મોંઘાવારી-રોજગારી, અમદાવાદમાં સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરવા પર પ્રહાર

નવી દિલ્હી,, તા. ૨૭ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા મોંઘવારી અને રોજગારી મુદ્દે મોદી સરકાર પર નિશાન તાકતા રહેતા હોય છે. તેઓ સતત ટ્વીટર દ્વારા મોદી સરકારને ટાર્ગેટ કરતા રહેતા હોય છે ત્યારે આ વખતે તેમણે મોદી સરકાર પર જનતાને લૂંટવાનો આરોપ મુક્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી લોકોને સવાલ કર્યો હતો કે, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે તમને એવું નથી લાગતું કે સરકાર તમને લૂંટી રહી છે? વધુમાં લખ્યું હતું કે, શું કોઈ એવી જગ્યા છે જ્યાં રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી હોય અને ત્યાં જઈને તમને એવું ન લાગે કે સરકાર તમને લૂંટી રહી છે?

આના એક દિવસ પહેલા શુક્રવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે, રોજગારી બંધ, મોંઘવારી બુલંદ, સરકાર મસ્ત, આંખો બંધ એટલે જ ભારતબંધ.

મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું તેને લઈને પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. હકીકતે આ સ્ટેડિયમમાં બે સ્ટેન્ડના નામ અદાણી અને રિલાયન્સ પરથી પણ છે. તેને લઈને રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, સત્ય કેટલી ચતુરાઈપૂર્વક સામે આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ- અદાણી એન્ડ- રિલાયન્સ એન્ડ જય શાહની અધ્યક્ષતામાં! ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી મોંઘવારી મુદ્દે સતત મોદી સરકારને ઘેરી રહી છે. પાર્ટીએ દિલ્હી ખાતેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખાલી ગેસ સિલિન્ડર સાથે રાખીને સરકારને સવાલો કર્યા હતા.

(9:21 pm IST)