મોંઘવારી સામે ઝઝૂમી રહેલુ ઝિમ્બાબ્વે વ્યાજ દરમાં કરશે રેકોર્ડ સમાન ૧૯૦%નો વધારો
વિશ્વનો સૌથી મોંઘો વ્યાજ દર
નવી દિલ્હી,તા. ૨૭: એક રીતે મોંઘવારીએ આખી દુનિયાના નાકમાં દમ કરાવી દીધો છે પરંતુ દક્ષિણ આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેની હાલત ખૂબ જ કપરી જણાઈ રહી છે. આભને આંબી રહેલી મોંઘવારીનો સામનો કરવા માટે ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકને પોતાના વ્યાજ દરમાં ૧૯૦ ટકાનો વધારો કરવાની ફરજ પડી છે.
ઝિમ્બાબ્વે સેન્ટ્રલ બેંકની એમપીસી બેઠક બાદ મોંઘવારીનો દર સંપૂર્ણપણે બેકાબૂ થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેમાં પહેલેથી જ વિશ્વનો સૌથી મોંઘો વ્યાજ દર છે અને હવે મોંઘવારીને કાબૂમાં લેવા માટે મુખ્ય વ્યાજ દરમાં ૧૯૦ ટકાનો વધારો કરવો પડશે.
અધિકારીઓએ જણાવ્યું કે, જૂન મહિનામાં વાર્ષિક મોંઘવારી દર ૧૯૧.૬ ટકા વધી ગયો છે. આ સંજોગોમાં લોકલ કરન્સી પરનું દબાણ વધી રહ્યું છે જેને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં અનપેક્ષિત વધારો કરવો પડશે.
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ઈમર્સન મંગાગ્વાએ જણાવ્યું કે, તેઓ કૃષિ ક્ષેત્રની સુરક્ષા પર વધુ ભાર આપશે તથા એગ્રીકલ્ચર સેક્ટરને બચાવવા માટે ઓછા વ્યાજ દર પર લોનની સુવિધા ચાલુ રહેશે. ઉપરાંત બેંકમાં જમા રકમ પરનો વ્યાજ દર વધારવામાં આવી રહ્યો છે જેથી લોકોને પોતાની બચતો પર વધુ લાભ મળવાનું સુનિヘતિ થઈ શકે.
ઈમર્સને જણાવ્યું કે, તેમની સરકાર મોંઘવારીને કાબૂમાં લેવા માટે તથા જરૂરી ચીજ-વસ્તુઓના ભાવવધારાને અંકુશમાં લેવા માટે પ્રયત્નશીલ છે. આ માટે વ્યાજ દરોમાં વધારો કરવો તે એક જરૂરી પગલું છે. અગાઉ ૧૭ જૂનના રોજ કેન્દ્રીય બેંકે તમામ બેંક પર નવી લોન આપવાની રોક લગાવી દીધી હતી. ઉપરાંત લોનના વ્યાજ દરોને ૮૦ ટકા કરી દીધા હતા જે પહેલી જુલાઈથી લાગુ થશે. હવે તેને વધારીને ૧૯૦ ટકા કરવાની તૈયારી છે.
ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેંકના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનું અનુમાન ૧૬૦ ટકા કરી દેવાયું છે જે અગાઉ ૨૫ ટકા અને પછી ૩૫ ટકા સુધી વધારવામાં આવ્યું હતું. તમામ પ્રયત્નો છતાં પણ તેને ૧૦૦ ટકાથી નીચે નહીં લાવી શકાય. આ કારણે જ હવે વિકાસ દરનું અનુમાન પણ પૂર્વના ૫.૫ ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કરવામાં આવી રહ્યું છે.