મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો આરોપી મુનાફ ભુજ કોર્ટમાં રજુ : ઓખા જખૌથી ઝડપાયેલ કરોડોના ડ્રગ્સ કૌભાંડનો મુનાફ સૂત્રધાર

ટાઇગર મેમણના ખાસ માણસ મુનાફ હાલારી ખતરનાક ગુનેગાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : ભુજ કોર્ટમાં એકાએક ગોઠવાયેલા પોલીસના ભારે જાપ્તાને પગલે વકીલો અને અસીલોમાં આશ્ચર્ય છવાયું હતું. જોકે, આ કડક સુરક્ષા જાપ્તાનું મુખ્ય કારણ કુખ્યાત ગુનેગાર મુનાફ હાલારીની પેશી હતી. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી એવો મુનાફ હાલારી ગત વર્ષે ઓખા જખૌ વચ્ચેથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કૌભાંડનો મુખ્ય આરોપી હોઈ તેની ભુજ કોર્ટમાં તારીખ હતી.

પાકિસ્તાનના દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્ર કચ્છના ઓખા જખૌથી વાયા ગુજરાત થઈ મોટા જથ્થામાં કેફી દ્રવ્યો ઘુસાડવાના નાર્કોટિકસ ના ગંભીર ગુનામાં મુનાફ હાલારી મુખ્ય સૂત્રધાર હતો. પાકિસ્તાન કરાંચીના હાજી હસન સાથે મળી કેફી દ્રવ્યો ઘુસાડવા માટે અન્ય પાકિસ્તાની આરોપીઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા.

ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એસઓજી પોલીસે આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ ષડયંત્રમાં ઝડપાયેલ ૫ આરોપીઓ પૈકી ૪ ભુજ જેલમાં છે. જયારે મુનાફ સુરક્ષાના કારણોસર સાબરમતી જેલમાં કેદ છે. તેને દોઢ વર્ષ પહેલાં આ જ ગુનામાં ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો ત્યારે તેના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મુનાફ હાલારી મુંબઈના ૯૨'ના બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ટાઈગર મેમણ નો સાથીદાર છે. તે બોમ્બ બ્લાસ્ટ બાદ બેંગકોક, દુબઈ, નૈરોબી અને પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાન આશરો લીધા બાદ તે ભારત આવતો જતો રહેતો હતો.

કેફી દ્રવ્યોના ગુનામાં નાર્કોટિકસ બ્યુરોએ મુનાફ મુંબઈથી નાસે તે પહેલાં જ એરપોર્ટ ઉપરથી ઝડપી લીધો હતો. ભુજ કોર્ટમાં મુદ્દતમાં રજુ કરાયા બાદ ફરી મુનાફને સાબરમતી જેલમાં લઈ જવાયો છે.

(12:51 pm IST)