મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

ઓનલાઇન ટિકિટ માટે IRCTCએ બનાવ્યા નવા નિયમ : મોબાઇલ નંબર અને ઇ-મેલનું વેરિફિકેશન કરાશે

નવી દિલ્હી તા. ૨૭ : લાંબા સમયથી ટિકિટ બુક નહીં કરી શકનારા યાત્રીઓ માટે રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ માટે ટિકિટ લેવા માટે મોબાઈલ નંબર અને ઈમેલનું વેરિફિકેશન કરાશે.

ઓનલાઈન ટ્રેન ટિકિટ લેનારા માટે હવે સારા સમાચાર આવી રહ્યા છે. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને ઓનલાઈન ટિકિટ લેનારાના મોબાઈલ નંબર અને ઈમેલનું વેરિફિકેશન કરાવવાનું કહ્યું છે. આ પછી તમે ટિકિટ લઈ શકશો. આ નિયમ એ યાત્રીઓ માટે છે જે લાંબા સમયથી ટિકિટ ખરીદી રહ્યા નથી, જો કે આ પ્રક્રિયામાં ૫૦-૬૦ સેકન્ડનો સમય લાગે છે.

કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી ટિકિટ બુક કરવા માટે નવા નિયમો બનાવાયા છે. આ લોકોએ IRCTCના પોર્ટલથી ટિકિટ ખરીદવા મોબાઈલ નંબર અને ઈમેલ વેરિફાઈ કરાવવાના રહે છે. આ પછી જ ટિકિટ મળશે. નિયમિત ટિકિટ બુક કરાવનારા માટે આ પ્રક્રિયા વારેઘડી કરવાની રહેશે નહીં.

ભારતીય રેલ્વેના આધારે IRCTC ઓનલાઈન ટિકિટ આપી રહ્યું છે. યાત્રીઓ આ પોર્ટલથી લોગઈન અને પાસવર્ડ બનાવે છે અને ટિકિટ બુકિંગ કરે છે. આ માટે ફોનનંબર અને ઈમેલ આઈડી જરૂરી છે. તે વેરિફાઈ કર્યા બાદ જ ટિકિટ બુક કરાવી શકાશે.

કોરોનાના કહેરના ઘટવાની સાથે ટ્રેન પાટા પર દોડવા લાગી છે એવામાં ટિકિટનું વેચાણ વધ્યું છે.૨૪ કલાકમાં ૮ લાખ ટ્રેન ટિકિટ બુક થઈ રહી છે. IRCTCના દિલ્હી મુખ્યાલયનું કહેવું છે કે જે એકાઉન્ટ નિષ્ક્રિય હતા તેને સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાઈ.

(2:51 pm IST)