મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

દેશનાં 22 જિલ્લામાં એક મહિનાથી નવા કેસમાં ઉછાળો : 62 જિલ્લામાં 100 થી પણ વધારે કેસ: આરોગ્ય મંત્રાલય

વૈશ્વિક દ્રષ્ટિકોણથી, રોગચાળો હજી સમાપ્ત થયો નથી: આપણે સાવધાન રહેવાની જરૂર

નવી દિલ્હી : દેશમાં કોરોના રોગચાળાને અંગે સરકાર હજુ પણ ચિંતિત હોય તેવું જણાય છે. મંગળવારે મહત્વપૂર્ણ માહિતી આપતાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી, તેથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. લેટેસ્ટ આંકડા રજૂ કરતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 22 જિલ્લાઓ એવા છે જ્યાં ચાર અઠવાડિયામાં કોરોના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે.

મંત્રાલયે કહ્યું કે દેશમાં હજી પણ 62 જિલ્લાઓ એવા છે જ્યાં દરરોજ 100 થી વધુ કેસ નોંધાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કેરળમાં સાત જિલ્લાઓ, મણિપુરમાં પાંચ, મેઘાલયમાં ત્રણ, અરૂણાચલ પ્રદેશમાં ત્રણ, મહારાષ્ટ્રના બે, આસામ અને ત્રિપુરામાં એક-એક જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યાં છેલ્લા ચાર અઠવાડિયામાં કેસ વધ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોનાના સાપ્તાહિક કેસોમાં સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જો હવે જો આપણે કેસોમાં થયેલા ઘટાડાના દરની તુલના કરીએ તો તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે આ સંદર્ભે રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છીએ. આપણે તેને હળવાશથી લઈ શકીએ નહીં. તેમણે કહ્યું કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી, રોગચાળો હજી સમાપ્ત થયો નથી. વિશ્વભરના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે. વાયરસના ફેલાવાને રોકવા માટે આપણે જોરશોરથી કામ કરવું પડશે.

(8:17 pm IST)