મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

સોનિયા ગાંધીની બેઠકમાં લેવાયો નિર્ણય

NEET-JEE પરીક્ષાઓને લઇને કોંગ્રેસ શાસિત ૭ રાજ્યો જશે સુપ્રીમ કોર્ટમાં

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના મહામારી વચ્ચે સરકાર NEET-JEEની પરીક્ષાઓ યોજવા જઇ રહી છે. જયારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે સાત રાજયોએ NEET-JEE પરીક્ષા હાલ ન યોજવાની માગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં આ સાત રાજયોના મુખ્ય પ્રધાનોએ બેઠક યોજી હતી જેમાં સર્વ સમ્મતિથી આ પરીક્ષાઓ હાલ ન યોજવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયાર થયા હતા.

જે સાત રાજયો કોરોના મહામારી વચ્ચે પરીક્ષા યોજવાના વિરોધમાં એક થયા છે તેમાં રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી આ બેઠક યોજાઇ હતી, જેમાં રાજસ્થાનમાંથી અશોક ગેહલોત, પંજાબમાંથી અમરિંદરસિંહ, ઝારખંડમાંથી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી, મહારાષ્ટ્રમાંથી ઉદ્ઘવ ઠાકરે, છત્તીસગઢમાંથી ભુપેશ બઘેલ, પુડ્ડુચેરીમાંથી વી. નારાયણસામી પણ જોડાયા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારને એમ લાગી રહ્યું હોય કે રાજય સરકારો સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે નહીં જાય તો અમે જણાવી દઇએ કે અમે સુપ્રીમ કોર્ટમાં જઇશું. પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં યોજાવા જઇ રહી છે, કોરોના મહામારી વધી રહી છે એવામાં સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી રહી છે. અમે વડા પ્રધાનને પત્ર પણ લખ્યો છે. છતા તેઓેએ કોઇ જ જવાબ નથી આપ્યો. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે મમતાની માગોનું સમર્થન કર્યું, જયારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું કે સુપ્રીમ કોર્ટ જતા પહેલા અમે રાષ્ટ્રપતિ પાસે જઇશું. બેઠકની શરૂઆતમાં જ સોનિયા ગાંધીએ નીટ અને જેઇઇની મેઇન પરીક્ષાઓ આગામી મહિનામાં યોજાવા જઇ રહી છે તે અંગે ચીંતા વ્યકત કરી હતી.

તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં ખામીઓ હોવાનું કહ્યું સાથે જ જીએસટીનું રાજયોને મળનારુ વળતર, નીટ, જેઇઇની પરીક્ષાઓ સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી. દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું હતું કે એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે અમેરિકામાં સ્કૂલો ખોલવાથી ૯૭ હજાર બાળકોને કોરોના થઇ ગયો હતો. જો આવી સ્થિતિનું નિર્માણ ભારતમાં થયું તો તેના માટે કોઇ જવાબદાર રહેશે. ઉદ્ઘવે પણ નીટ અને જેઇઇની પરીક્ષાઓ હોલ ન યોજવાની માગણી કરી હતી. વિપક્ષનો દાવો છે કે હાલ આ પરીક્ષાઓ યોજવાથી દેશના ૨૮ લાખ વિદ્યાર્થીઓ પર કોરોનાનો ખતરો વધી જશે.

NEET-JEEની પરીક્ષાઓ આગામી મહિને યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે ઓનલાઇન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બુધવારે માત્ર ત્રણ જ કલાકમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ ડાઉનલોડ કરી લીધા હતા. આ એડમિટકાર્ડ મેડિકલની પ્રવેશ પરીક્ષા નીટ માટે ડાઉનલોડ કરાયા હતા. નીટ આગામી ૧૩મી સપ્ટેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે. જયારે એન્જિનિયરિંગ માટેની જેઇઇ એકથી છ સપ્ટેમ્બર સુધી યોજાવાની છે.

વિપક્ષ માગણી કરી રહ્યો છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી NEET-JEEની પરીક્ષાઓને ન યોજવામાં આવે. જયારે કેટલાક રાજયોમાં વિદ્યાર્થીઓ પણ પરીક્ષા હાલ યોજવાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પરીક્ષાઓ રદ નહીં થાય.

સાથે જ ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે NEET-JEEની પરીક્ષાઓ રદ કરવાનો હાલ કોઇ જ પ્લાન નથી પણ અંતિમ નિર્ણય શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે. મંત્રાલય દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૪ લાખ એડમિટકાર્ડ ડાઉનલોડ કરી લીધા છે હવે પરીક્ષા રદ ન કરી શકાય.

(9:59 am IST)