મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

ગ્લોબલ ટાઇમ્સનો રિપોર્ટ

ચીનના લોકો ત્યાંની સરકાર કરતાં મોદી સરકારથી ખુશ

બેઈજિંગ,તા. ૨૭: ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધતી જાય છે. એટલે સુધી કે ચીનમાં પણ મોટી સંખ્યામાં લોકો તેમના ફેન છે. લદાખ હિંસાના ત્રણ મહિના બાદ ચીનના મુખપત્ર એવા ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં એ વાત સામે આવી છ ેકે મોટાભાગના ચીનના નાગરિકો પોતાના નેતાઓ કરતા વધારે પીએમ મોદીની કાર્યપ્રણાલીથી ખુશ છે.

સર્વક્ષણ મુજબ લગભગ ૫૦ ટકા ચીની નાગરિકો બેઈજિંગ પ્રત્યે અનુકૂળ પ્રભાવ ધરાવે છે જયારે ૫૦ ટકા લોકોએ ભારતની મોદી સરકારને વખાણી છે. લગભગ ૭૦ ટકા લોકો માને છે કે ભારતમાં ચીન વિરોધી ભાવના ખુબ વધારે થઈ ગઈ છે. જયારે ૩૦ ટકાથી વધુ લોકોને લાગે છે કે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે. સર્વેક્ષણમાં સામેલ ૯ ટકા લોકોનું માનવું છે કે ભારત-ચીનના સંબંધોમાં સુધાર ઓછા સમય માટે જોવા મળશે. જયારે ૨૫ ટકા લોકોના જણાવ્યાં મુજબ બંને દેશોના સંબંધ લાંબા સમય સુધી મજબૂત રહેશે.

આ બધા વચ્ચે ચીનની સૌથી મોટી ટેક કંપની હુઆવેઈ ભારતના તમામ પ્રમુખ અખબારોમાં મોટી મોટી જાહેરાતો છપાવીને ભારતને એ જતાવવાની કોશિશ કરી રહી છે કે ભારત સાથે તેના સંબંધો ખુબ જૂના છે. તે છેલ્લા ૨૦ વર્ષથી અહીં વેપાર કરી રહી છે અને હંમેશા ભારતના હિતો માટે પ્રતિબદ્ઘ છે. હકીકતમાં લદાખ હિંસા બાદ ચીની કંપનીઓ ભારત સરકારના હિટલિસ્ટમાં છે.

ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારત હુઆવેઈ અને અન્ય ચીની કંપનીઓ સાથે તબક્કાવાર રીતે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માંગે છે. ઔપચારિક પ્રતિબંધની જગ્યાએ ભારતે કથિત રીતે દૂરસંચાર કંપનીઓને સ્પષ્ટ કરી દીધુ છે કે ચાઈનીઝ ગીયરથી દૂર રહે.

હુઆવેઈ પહેલેથી જ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ પ્રતિબંધનો સામનો કરી રહી છે. ન્યૂઝિલેન્ડમાં પણ તેને આંશિક રીતે પ્રતિબંધિત કરાઈ છે. હુઆવેઈના સીએફઓ મેંગ વાનઝોઉ કનાડામાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા ઈરાન પ્રતિબંધોના કથિત ભંગ પર તેની અટકાયત ઈચ્છે છે. કેનેડા અને ચીન એક કૂટનીતિક લડાઈ લડી રહ્યાં છે. જયારે હુઆવેઈ ક્રોસફાયરમાં ફસાઈ ગઈ છે. આથી તે જાહેરાતો દ્વારા ભારતમાં પોતાને બચાવવાની કોશિશમાં છે.

(11:09 am IST)