મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

બાબરી કેસ : સીબીઆઇ ખાસ કોર્ટમાં લેખિત દલીલ રજુ કરવાનો આજે અંતિમ દિવસ

સુપ્રિમ કોર્ટના હુકમ બાદ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો છે

લખનૌ, તા. ર૭ : ૧૯૯રમાં અયોધ્યામાં બાબરી મસ્જીદ તોડી પડાયાના કેસમાં લેખીત દલીલ દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. લખનૌ સ્થિત સીબીઆઇની ખાસ કોર્ટે અગાઉ જ બચાવ પક્ષને વધુ સમય આપવા ઇન્કાર કરેલ. સુપ્રિમના નિર્ણય બાદ વિશેષ કોર્ટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાનો નિર્ણય આપવાનો છે.

આ કેસમાં ૩પ૧ સાક્ષીઓ સાથે ૬૦૦થી વધુ પુરાવાઓના અવલોકન બાદ નિર્ણય લખવામાં ખાસો સમય જોઇએ. બચાવ પક્ષે લેખીત દલીલ માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય માંગેલ. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ૩ર લોકો આરોપી છે.

ઉપરાંત વિનય કટીયાર, સાધ્વી રૂતુંભરા પણ આરોપીઓ છે. જયારે વિહીપના નેતાઓ ગીરીરાજ કિશોર, અશોક સિંઘલ અને વિષ્ણુ હરિ દાલમીયાનું કેસ દરમિયાન નિધન થયું છે. બાબરી ધ્વંશ વખતે યુપીના મુખ્યમંત્રી તરીકે કલ્યાણસિંહ હતાં. કોર્ટે દંડ પ્રક્રિયા સંહિતા હેઠળ ૩ર આરોપીઓની જુબાની નોંધવાનું કાર્ય પૂર્ણ કરી ચૂકી છે.

રામમંદિર આંદોલન સમયે મુખ્ય ભૂમિકામાં રહેલ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વિડીયો કોન્ફરન્સીંગથી જુબાની નોંધાવેલ. ઉપરાંત કલ્યાણસિંહ અને ઉમા ભારતીના પણ સ્ટેટમેન્ટ નોંધાઇ ચૂકયા છે. બંન્ને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ રીતે હાજર થયેલ. અડવાણીજીનું સ્ટેટમેન્ટ રામ મંદિર ભૂમિ પૂજન પહેલા જ નોંધાયેલ.

સુપ્રિમ કોર્ટની પાંચ જ્જોની બેંચે ગત વર્ષે ઐતિહાસિક નિર્ણયમાં વર્ષો જુના વિવાદનું સમાધાન કરતા અયોધ્યામાં સંબંધીત જગ્યાએ રામમંદિર નિર્માણને મંજૂરી આપેલ અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં મસ્જીદ બનાવવા પાંચ એકર જમીન આપવા આદેશ કરેલ.

(12:56 pm IST)