મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ

૨૦૧૯ બાદ ભાજપે FB જાહેરાત પાછળ ૪.૬૧ કરોડ ખર્ચ્યા

નવી દિલ્હી તા. ૨૭ : ફેસબુકમાં હેટ સ્પીચ વિવાદની વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. ભાજપ અને ફેસબુકની સાંઠગાંઠને લઈને આ હકિકત સામે આવી છે. ભારતમાં ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ છે. છેલ્લા ૧૮ મહિનામાં ભાજપે ફેસબુકને સૌથી વધુ જાહેરાત આપી છે.

ભાજપ અને ફેસબુકની વચ્ચે આ કનેકશન સામે આમે આવ્યું છે. ૨૦૧૯ બાદ ભાજપે જાહેરાત પાછળ ૪.૬૧ કરોડનો ખર્ચ કર્યો. કોંગ્રેસે ફેસબુકની જાહેરાત પાછળ ૧.૮૪ કરોડનો ખર્ચ કર્યો છે. જયારે AAP દ્વારા ફેસબુકને ૬૯ લાખની જાહેરાત આપવામાં આવી હતી.

ફેસબુકના ટોપ-૧૦ એડવર્ટાઈઝરમાં ભાજપના ૪ લોકો જોડાયેલા છે. આ ખુલાસો સોશિયલ મીડિયાના ખર્ચનો ડેટા રાખનાર ટ્રેકરથી થયો છે. આ ડેટા ફેબ્રુઆરી ૨૦૧૯થી ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ સુધી છે. આ જ સમયગાળામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ભાજપ ફેસબુકની સૌથી મોટી એડવરટાઇઝર બની હતી. જેમાં સામાજીક, રાજકીય અને ચૂંટણીના મુદ્દાઓ પર જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ફેસબુક અને ભાજપની સાંઠગાઠને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ હતુ. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ફેસબુક હેટ સ્પીચ રૂલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિકસ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે. ફેસબુક કર્મચારીએ કહ્યું કે ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.

તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુસ્લિમોની વિરુદ્ઘ વકાલત કરવામાં આવી છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ઘ ગઈ ફરિયાદ કરી હતી. જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા.

આવું પહેલી વાર થયું નથી. આ પહેલા ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હતો.

(3:03 pm IST)