મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

કોંગ્રેસની સભ્ય છું, સેવાના અનેક રસ્તા છેઃ શર્મિષ્ઠા મુખર્જી

પ્રણવ મુખર્જીનાં પુત્રીની રાજકારણ છોડવાની જાહેરાત : પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીનો કોઈ જ અન્ય પક્ષમાં જોડાવાનો ઈનકાર, ટિકાકારોને જોરદાર ઉત્તર આપતાં નેતા

નવી દિલ્હી, તા.૨૭ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ રાજકારણ છોડવાની જાહેરાત કરી દીધી છે. એટલું નહીં, તેમણે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાના નિર્ણયો અંગે જે સવાલો ઉઠી રહ્યા છે તેના જવાબો પણ આપ્યા છે. કેટલાક લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે, શર્મિષ્ઠા મુખર્જી હવે ક્યાંક બીજી કોઈ પાર્ટીમાં જતા રહે. જ્યારે કેટલાય લોકોએ પ્રણવ મુખર્જીનું નામ લઈને શર્મિષ્ઠાને ઘેરી કે તેમના પિતા કોંગ્રેસમાં હોવા છતાં સંઘના કાર્યક્રમમાં ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી પહેલેથી કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ચુક્યા છે. ચાલુ વર્ષે તેઓ મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે હવે ૨૫ સપ્ટેમ્બરની એક પોસ્ટનો જવાબ આપતા શર્મિષ્ઠાએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.

તેમણે લખ્યું હતું કે, ખૂબ આભાર. પરંતુ હવે હું રાજનેતા નથી. મેં રાજકારણ છોડી દીધું છે. હાલ હું કોંગ્રેસની સદસ્ય છું પરંતુ સક્રિય રાજકારણમાં નથી. દેશની સેવા કરવા માટે અન્ય કેટલાય રસ્તાઓ પણ છે.

એક વ્યક્તિએ શર્મિષ્ઠા મુખર્જીને કહ્યું હતું કે, વચન આપો કે ભવિષ્યમાં અન્ય કોઈ પાર્ટીને જોઈન નહીં કરો. તેના જવાબમાં શર્મિષ્ઠાએ કહ્યું કે, હું રાજકારણ છોડી રહી છું. તેવામાં કોંગ્રેસ જે મારા માટે ઘર જેવી છે તેને છોડીને અન્ય કોઈ પાર્ટીમાં કેમ જઉં. મેં બાળપણથી રાજકીય પ્રતિષ્ઠા જોઈ છે. કોઈ લાલચ મને ખેંચી શકે. હું આગળનું જીવન શાંતિથી વિતાવવા માગું છું.

કેટલીક કોમેન્ટ્સમાં શર્મિષ્ઠા મુખર્જીના કોંગ્રેસ છોડવા અંગે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેને લઈ શર્મિષ્ઠા ભડકી ઉઠી હતી. આવી કોમેન્ટ્સને તેમણે શરમજનક ગણાવી હતી. તે સિવાય કેટલાક લોકોએ પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં ગયા તે નિર્ણયને લઈ સવાલ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં શર્મિષ્ઠાએ કહ્યું કે, પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં ગયા હતા કારણ કે તેઓ વાતચીતમાં વિશ્વાસ રાખતા હતા જે લોકશાહીનો આધાર છે. કથિત ફાસીવાદના મંચ પરથી પણ પ્રણવે બહુલતાવાદી સમાવેશી ભારતની વાત કરી હતી. વધુમાં લખ્યું હતું કે, સંઘ પ્રચારકને ભારતના પીએમ બનાવનારા પ્રણવ નહોતા, પરંતુ ભારતના લોકો હતા.

(7:52 pm IST)