મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

દિવાળી પૂર્વે આર્ટિફિશિયલ ફલાવર્સની બોલબાલાઃ ૫૦ ટકા જ માલ આવતા ભાવ ૧૫ ટકા વધ્યા

તહેવારોમાં ગલગોટા, ગુલાબ, નેપલ, જલબેરા,સૂર્યમૂખી જેવા આર્ટિફિશિયલ ફૂલોની માંગ માર્કેટમાં વધી જાય છે

મુંબઇ, તા.૨૭: આ દિવાળીએ ઘરાકી ખુલતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. તહેવારોને લઇને શહેરના આર્ટિફિશયલ ફૂલોના બજારમાં સ્ટોક જ ઓછો આવ્યો હોવાના કારણે તેના ભાવમાં ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. કોરોનાના કારણે છેલ્લી બે દિવાળીઓ ફિક્કી જોવા મળી હતી. જેના કારણે ઘણાં ધંધા રોજગાર પર માઠી અસર પડી હતી. આ વર્ષે નવરાત્રિને મળેલી પરવાનગી બાદ ધંધા રોજગાર ફરી બેઠા થતાં જોવા મળ્યા છે. હવે દિવાળીના આડે હવે માંડ અઠવાડિયું બાકી છે ત્યારે માર્કેટમાં માહોલ જામી ગયો છે. શનિ-રવિ તો રીતસર હૈયે હૈયુ દળાય તેમ કોટ વિસ્તારમાં ખરીદી માટે શહેરીજનો ઉમટી પડયા હતા.

શહેરના બજારોની રોનક પાછી આવી ગઇ છે. દિવાળીના તહેવારમાં ઘરની સુંદર સજાવટ માટે લોકો અવનવા તોરણ, ઓર્ટિફિશિયલ ફૂલ, રંગોળી, રોશની માટે સિરીઝી, ભગવાન માટેના હાર-તોરા, ટ્રેડિશનલ દીવડા સ્હિતની ખરીદી કરતા હોય છે. ઘરોની સજાવટ સહિત પૂજામાં ફૂલોની ભૂમિકા મહત્વની હોય છે. નેચરલ ફૂલોની માંગ સાથે આ આર્ટિફિશિયલ ફૂલોની માગ બજારોમાં જોવા મળી રહી છે. આ વર્ષે આર્ટિફિશિયલ ફૂૂલોનો સ્ટોક બજારમાં ૫૦% ટકા જ આવ્યો છે. જેના કારણે માર્કેટમાં ૧૦ થી ૧૫% ભાવમાં વધારો થયો છે.

આર્ટિફિશિયલ ફૂલોનો માલ દિલ્હી તેમજ મુંબઈથી આવતો હોય છે. આ વર્ષે ઉત્પાદન ઓછું હોવાને કારણે શહેરના બજારોમાં સ્ટોક ઓછો પહોંચ્યો છે. તહેવારોમાં ગલગોટા, ગુલાબ, નેપલ, જલબેરા, સુર્યમૂખી જેવા આર્ટિફિશિયલ ફૂલોની માંગ માર્કેટમાં વધારે જોવા મળી છે. છેલ્લાં વર્ષો કરતાં આ વર્ષે ધંધો સારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જેના કારણે વેપારીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

આર્ટિફિશિયલ ફૂલોની માગ, નેચરલ ફૂલોના ભાવ પર નિર્ભર કરતી હોય છે.

વેપારીના જણાવ્યા મુજબ, તહેવારોના સમયમાં નેચરલ ફૂલોના ભાવમાં સખત વધારો થઇ જતો હોવાથી મોટી સંખ્યામાં લોકો આર્ટિફિશિયલ ફૂલો ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. કારણકે તે ફૂલોનો ઉપયોગ તહેવાર બાદ પણ ઘરમાં સજાવટમાં કરી શકાતો હોય છે. આ ફૂલો લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાતા હોવાથી હવે લોકો દ્યર તેમજ દુકાનોમાં તોરણ અને ફૂલહારમાં નેચરલ કરતા આર્ટિફિશિયલ લેવાનું વધારે પસંદ કરે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો પણ કારણભૂત

આર્ટિફિશિયલ ફૂલોનો મોટાભાગનો માલ દિલ્હી અને મુંબઇથી આવતો હોય છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી રહી છે. આર્ટિફિશયલ ફૂલ સહિત આયાત થતી તમામ ચીજવસ્તુના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે. એકતરફ કોરોનાના કારણે લોકોની આવક વધી રહી નથી અને બીજીતરફ દરેક ચીજવસ્તુના વધતાં ભાવ પડયા પર પાટુ સમાન છે.

(9:40 am IST)